
ભારતની સૌથી મોટી રક્ષા ડીલની તૈયારી : વાયુસેનાને મળશે 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ
નવી દિલ્હીઃ ભારત સરકાર રક્ષા ક્ષેત્રની અત્યારસુધીની સૌથી મોટી ડીલ માટે તૈયારી કરી રહી છે. રક્ષા મંત્રાલયને ભારતીય વાયુસેનાથી 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ લડાકૂ વિમાનોની ખરીદીનો પ્રસ્તાવ મળ્યો છે. આ સોદાની કિંમત બે લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. ખાસ વાત એ છે કે આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની ડસૉ એવિએશન કંપની કરશે, પરંતુ તેમાં ભારતીય એરોસ્પેસ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, વાયુસેનાએ તૈયાર કરેલું સ્ટેટમેન્ટ ઓફ કેસ (SOC) થોડા દિવસો પહેલા મંત્રાલયને મળ્યું છે. હાલ આ પ્રસ્તાવ પર રક્ષા મંત્રાલયની વિવિધ શાખાઓ, જેમાં રક્ષા નાણાં વિભાગ પણ સામેલ છે, ચર્ચા કરી રહી છે. આગળ આ પ્રસ્તાવ રક્ષા ખરીદી બોર્ડ (DPB) અને ત્યારબાદ રક્ષા અધિગ્રહણ પરિષદ (DAC) સમક્ષ જશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો તે ભારત સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો રક્ષા સોદો સાબિત થશે. હાલ વાયુસેનાના દળ પાસે 36 રાફેલ છે અને નૌસેનાએ 26 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. નવા સોદા બાદ કુલ 176 રાફેલ ભારતીય દળોના કાફલામાં સામેલ થશે.
તાજેતરમાં પાકિસ્તાન સામેના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન રાફેલે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. ચીનની આધુનિક PL-15 એર-ટુ-એર મિસાઈલોને તેણે પોતાની સ્પેક્ટ્રા ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમથી નિષ્ફળ બનાવી હતી. નવા વિમાનોમાં વધુ રેન્જ ધરાવતી એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઈલ્સ પણ જોડાશે, જે આતંકવાદી તથા સૈન્ય ઠેકાણાઓ પર હુમલામાં અસરકારક રહેશે. ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલોમાં 60 ટકા કરતાં વધુ સ્વદેશીકરણ થશે. ડસૉ કંપની હૈદરાબાદમાં રાફેલ એન્જિનો (M-88) માટે મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) સુવિધા ઊભી કરવાની યોજના બનાવી રહી છે. ટાટા સહિતની ભારતીય કંપનીઓ આ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાશે.
ચીન અને પાકિસ્તાન તરફથી સતત વધતા ખતરાને ધ્યાનમાં રાખીને આ સોદાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં વાયુસેનાની મુખ્ય રચના સુખોઈ-30 એમકેઆઇ, રાફેલ અને સ્વદેશી પ્રોજેક્ટ્સ પર આધારિત રહેશે. ભારત પહેલેથી જ 180 એલસીએ માર્ક-1એ વિમાનોનો ઓર્ડર આપી ચૂક્યું છે અને 2035 પછી પાંચમી પેઢીના સ્વદેશી વિમાનોને પણ મોટા પાયે સામેલ કરવાની યોજના છે. જો આ સોદો અંતિમરૂપે સાકાર થાય તો ભારતીય રક્ષા ઉદ્યોગ માટે ઐતિહાસિક તક સાબિત થશે. માત્ર ટેકનોલોજી ટ્રાન્સફર જ નહીં, પણ ભારતીય કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી મળશે તેમજ દેશમાં એરોસ્પેસ ક્ષેત્રમાં રોજગાર અને રોકાણના નવા અવસર ઊભા થશે.