
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા પાંચ વિધેયકોને મંજૂરી આપી છે. જેમાં ઓનલાઈન ગેમિંગ વિધેયક, આવકવેરા કાયદો 2025, કરવેરા કાયદા (સુધારા) અધિનિયમ 2025, મેનેજમેન્ટ સંસ્થાઓ (સુધારા) અધિનિયમ 2025, ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારો અધિનિયમ 2025 અને ભારતીય બંદરો અધિનિયમ 2025નો સમાવેશ થાય છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને સ્થગિત કરી દીધા છે. ગઈકાલે ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ લીલીઝંડી આપી દીધી છે, જેના પછી હવે તે કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ બધી ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જણાવી દઈએ કે, વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે 45 કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને 20 હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ હવે આ કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ લાગૂ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમોશન એન્ડ રેગુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ 20 ઓગસ્ટના રોજ લોકસભા અને 21 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. બંને ગૃહોમાં આ બિલ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું હતું.