
નવી દિલ્હીઃ દેશભરમાં 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સ્વતંત્રતા દિવસને લઈ દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો છે. તેમણે દેશની જનતાને સંબોધતા સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સૂચનો માગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નાગરિકોને આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે તેમના વિચારો અને સૂચનો શેર કરવા વિનંતી કરી છે. તેમણે નાગરિકોને કહ્યું છે કે તેઓ પોતાના વિચારો ‘MY GOV’ અને ‘નમો એપ’ના ઓપન ફોરમ દ્વારા શેર કરી શકે છે.
પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, “જેમ જેમ આપણે આ વર્ષના સ્વતંત્રતા દિવસ તરફ આગળ વધી રહ્યા છીએ, હું મારા ભારતીયોના વિચારો જાણવા ઉત્સુક છું! તમે આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ક્યા વિષયો અથવા વિચારોને પ્રતિબિંબિત થતાં જોવા માગશો? ‘MY GOV’ અને ‘નમો એપ’ના ઓપન ફોરમ દ્વારા શેર કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધિકૃત વેબસાઈટ પર પણ આવા સૂચનો માંગવામાં આવ્યા છે. narendramodi.in પર લખાયું છે: “તમારા વિચારો પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણનો ભાગ બની શકે છે – અત્યારે જ શેર કરો! ભારતની આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના અવસરે, તમારા પાસે પીએમ મોદીને સુઝાવ આપવાનો અનમોલ અવસર છે. કોમેન્ટ સેકશનમાં તમારા વિચારો વ્યક્ત કરો. શક્ય છે કે વડાપ્રધાન તેમાથી કેટલાક સૂચનો પોતાના ભાષણમાં સામેલ કરે.”
મહત્વપૂર્ણ છે કે પીએમ મોદી દર વર્ષે 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા પહેલા નાગરિકોને પોતાના વિચાર અને સૂચનો મોકલવા માટે આમંત્રિત કરે છે. ભારતના 78માં સ્વતંત્રતા દિવસે પણ તેમણે આવું જ આમંત્રણ આપ્યું હતું. તેમના ભાષણમાં તેમણે આ સૂચનોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું: “વિકસિત ભારત 2047 – આ માત્ર ભાષણના શબ્દો નથી, તેની પાછળ કઠોર મહેનત ચાલી રહી છે. દેશના કરોડો નાગરિકોથી સૂચનો લેવામાં આવી રહ્યા છે અને મને આનંદ છે કે એ કરોડો નાગરિકોએ વિકસિત ભારત 2047 માટે અગણિત વિચારો આપ્યા છે. દરેક નાગરિકનું સપનું તેમાં પ્રતિબિંબિત થાય છે, દરેક નાગરિકનો સંકલ્પ તેમાં ઝલકે છે. યુવાન હોય કે વૃદ્ધ, ગામના લોકો હોય કે ખેડૂતો, દલિત-આદિવાસી, પર્વતોમાં કે જંગલોમાં વસતા લોકો હોય કે શહેરના લોકો – દરેકે 2047 સુધીમાં દેશે કેવી પ્રગતિ કરવી જોઈએ તેના અમૂલ્ય સૂચનો આપ્યા છે.”