- 20 ટ્રકોમાં 4000 શ્રમિકો તળાજા મામલતદાર કચેરીએ પહોંચીને વિરોધ કર્યો
- રાજકીય વગ ધરાવતા મોટા દબાણકારોને બચાવીને ગરીબોના મકાનો તોડવામાં આવે છે
- ગરીબોને રહેવાની સગવડતા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવ કરી માગ
ભાવનગરઃ જિલ્લાના અલંગ અને મણાર સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા તૈયારી કરી લીધી છે. ત્યારે દબાણો હટાવવાની વિરોધમાં અલંગ, મણાર સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ડિમોલિશનની કાર્યવાહીના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે રાજકીય વગ ધરાવતા લોકોને બચાવીને દબાણની કામગીરી માત્ર ગરીબ પરિવારો પર જ કરવામાં આવી રહી છે.
ભાવનગર નજીક અલંગ શીપયાર્ડ પાસે તેમજ મણારમાં અનેક શ્રમિક પરિવારોનો વસવાટ છે. તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. અને બે દિવસમાં દબાણો હટાવવામાં આવશે. તેની સામે ભારે વિરોધ ઊભો થયો છે. સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ અલંગ, મણારના 3થી 4 હજાર લોકો રસ્તા પર ઉતર્યાં હતા. એટલું જ નહીં આઈસર સહિતના વાહનોમાં બેસીને પણ તળાજા પહોંચ્યા હતા. આ તમામ વિરોધકર્તાઓ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યારે વિરોધકર્તાઓમાંથી પાંચ આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું. એ પહેલા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લોકોની સંખ્યા વધી જતા તળાજા, અલંગ મરીન સહિતની પોલીસની ટીમના પણ ધાડેધાડા ઉતર્યાં હતા.
તળાજા તાલુકાના અલંગ સહિતના ગામોમાં ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. એટલે કે સરકારી ખરાબા અને ગૌચરની જમીન ઉપર થયેલા દબાણો હટાવવા તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. અહેવાલ મુજબ હાલ 159 દબાણ હટાવવાની કામગીરી 17 ડિસેમ્બરથી કરવામાં આવી શકે છે. આ અંગે પ્રાંત અધિકારી જે.આર સોલંકીએ જણાવ્યું હતું કે, અલંગ અને મણારના નાગિરકો, મજૂરો કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં. કાયદાની પરિભાષા નક્કી કરીને જ આ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય, આ બાબતે સહયોગ આપવા તમામને અપીલ કરું છું.
અલંગ, મણાર ગામે દબાણની કામગીરી માત્ર નાના અને ગરીબ માણસો પર જ કરવામાં આવે છે. મોટા માથાઓ અને શીપબ્રેકરો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે તેઓ અમીર માણસો રાજકીય વગનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કરે છે. અને તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.


