
દિલ્હીમાં રવિદાસ જયંતિ નિમિતે જાહેર રજા જાહેર કરાઈ
નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રવિદાસ જયંતિ નિમિતે 12 ફેબ્રુઆરીએ રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીના ઉપરાજ્યપાલ 12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ગુરુ રવિદાસ જયંતિ નિમિતે, દિલ્હી સરકારના તમામ સરકારી કાર્યાલયો, સ્વાયત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં રજા જાહેર કરે છે.”
આદેશનું પાલન કરીને, બુધવારે બધી સરકારી શાળાઓ બંધ રહેશે. આવશ્યક સેવાઓ અને મહત્વપૂર્ણ કાર્યો કરતા વિભાગો માનક રજા પ્રોટોકોલ મુજબ તેમનું કાર્ય ચાલુ રાખશે. ગુરુ રવિદાસ જયંતિ 15મી સદીના આદરણીય સંત અને કવિ ગુરુ રવિદાસજીની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. ભક્તિ ચળવળમાં તેમના યોગદાન અને સમાનતા તથા સામાજિક ન્યાય પરના તેમના ઉપદેશો માટે જાણીતા છે.
આ દિવસે ખાસ કરીને ઉત્તર ભારતમાં શોભાયાત્રા, ભક્તિ ગીતો અને સમુદાય મેળાવડા સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંપરાગત રીતે, ગુરુ રવિદાસ જયંતિ ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે.