1. Home
  2. ગુજરાતી
  3. ભારતને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવાની પુતિને ઈચ્છા વ્યક્ત કરી
ભારતને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવાની પુતિને ઈચ્છા વ્યક્ત કરી

ભારતને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવાની પુતિને ઈચ્છા વ્યક્ત કરી

0
Social Share

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. પુતિને ભારતને એક મહાન દેશ ગણાવ્યો અને કહ્યું કે, ભારતની આર્થિક પ્રગતિ અને તેની વિશાળતાને ધ્યાનમાં રાખીને તેને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવું જોઈએ. પુતિને રશિયાના સોચી શહેરમાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબ નામની ઈવેન્ટમાં પોતાના સંબોધન દરમિયાન આ વાત કહી હતી.

પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે ‘અમે ભારત સાથેના અમારા સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વિકસાવી રહ્યા છીએ. ભારત એક મહાન દેશ છે. આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ તે મુખ્ય અર્થતંત્રોમાં પણ અગ્રણી છે. તેનો જીડીપી 7.4 ટકાના દરે વધી રહ્યો છે. રશિયા અને ભારત વચ્ચે દર વર્ષે સહકાર વધી રહ્યો છે. પુતિને સોવિયત સંઘના સમયથી ભારત સાથેના રશિયાના સંબંધો વિશે વાત કરી અને બંને દેશો વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા હતા. પુતિને કહ્યું કે ભારતની આઝાદીમાં સોવિયત સંઘે પણ ભૂમિકા ભજવી હતી.

પુતિને વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવું જોઈએ. તે દોઢ અબજ લોકોનો દેશ છે અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે. તેની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે અને ભવિષ્યમાં વિકાસની અપાર સંભાવનાઓ ધરાવે છે.

રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને રશિયા સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહયોગ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય દળો પાસે ઘણા રશિયન હથિયારો છે. આ બંને દેશો વચ્ચેનો વિશ્વાસ દર્શાવે છે. અમે અમારા શસ્ત્રો માત્ર ભારતને જ વેચતા નથી પરંતુ અમે તેને એકસાથે ડિઝાઇન પણ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયાએ સંયુક્ત રીતે બ્રહ્મોસ મિસાઈલ વિકસાવી છે. બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કવા નદીના નામને જોડીને રાખવામાં આવ્યું છે. આ મિસાઈલ ભારતના DRDO અને રશિયાના NPO દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code