અમદાવાદ, 18 માર્ચ 2026: Rahul Gandhi to visit Gujarat on March 23 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરીના દિવસોમાં જોહેરાત થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી 23મી માર્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં વડોદરામાં પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને રાજ્યની સ્થિતિની ચર્ચા કરશે. તેમજ આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાના વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો 23 માર્ચના રોજ ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમજ આદિવાસી સમાજના લોકો સાથે ખાસ સંવાદ કરશે. રાહુલ ગાંધીની મુલાકાતમાં પાર્ટીની આદિવાસી વિંગના મોટા પદાધિકારીઓ પણ સાથે રહેશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એવા સમયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે. ચૂંટણીની તારીખ જાહેર થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. અને 25 માર્ચે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે. તેના બાદ 26 માર્ચના રોજ ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે.
ગુજરાતમાં લાંબા સમયથી કોંગ્રેસ સત્તાની બહાર છે. તેમજ મધ્ય ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા પણ વધારે છે. જેમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા જેવા વિસ્તારો પ્રમુખ છે. કોંગ્રેસ વર્ષ 2027 ની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે ‘સંગઠન સૃજન અભિયાન’ થકી રાજ્યમાં નવી કોંગ્રેસ બનાવી છે. કોંગ્રેસના નવા સંગઠન બાદ મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી પરીક્ષા થશે. કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ શહેર અને પ્રદેશની ટીમે તૈયારીઓ આરંભી દીધી છે. બીજી ચર્ચા એ પણ છે કે, સચીન પાયલટને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે. તેઓ પહેલા રાજસ્થાનના નેતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે. રાહુલા ગાંધીની આ મુલાકાતને મહત્વની ગણવામાં આવી રહી છે. કારણ કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ બહુ ઓછા ગાળામાં આદિવાસી બેલ્ટમાં પોતાની પકડ મજબૂત બની છે. તેથી કોંગ્રેસ માટે આ એક મોટો પડકાર પણ છે.


