Homeગુજરાતીગુજરાતકોડીનયુક્ત દવાઓના વેચાણ સામે રાજ્યભરમાં દરોડા, 83 લાખનો માલ સીઝ કરાયો

કોડીનયુક્ત દવાઓના વેચાણ સામે રાજ્યભરમાં દરોડા, 83 લાખનો માલ સીઝ કરાયો

ગાંધીનગર, 9 સપ્ટેમ્બર, 2026 :  Raids conducted across the state against the sale of codeine-containing medicines રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન આપવામાં આવેલી કડક સૂચના અન્વયે, કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ,અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ લાવવા માટે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ (Special Drive) તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્માનો ₹ 83 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિવિધ 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રી  પાનશેરીયાએ આ સંદર્ભે કહ્યું હતું કે,તંત્ર દ્વારા કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ તથા ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવેલ દવાના હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ હાથ ધરી, કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ, સંગ્રહ તથા વિતરણ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.  તપાસ દરમિયાન બાલાજી ફાર્મા પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ, MRP રૂ. 220/- પ્રતિ બોટલ, મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 83,07,640/- થાય છે. આ જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે  માટે પ્રતિબંધિત (Prohibited) કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત હેલ્થ પોઇન્ટ ફાર્મા, કલોલ,ગાંધીનગરની તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવેલ હતો. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો છે. તેમજ ફાર્માલિન લાઇફસાયન્સિસ, ચાંગોદરમાં તપાસ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

અમદાવાદના સાંતેજ ખાતે આવેલી રેઇન રેમેડીઝ પેઢીમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ સંબંધિત બીલો તથા અન્ય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ મહેસાણાના વિસનગરમાં કેપિટલ ફાર્મામાં તપાસ દરમિયાન પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular