
- વઘઈમાં 7 ઈંચ, તાપીના સોનગઢમાં 8 ઈંચ પડ્યો વરસાદ,
- ગોધરા, લૂણાવાડા અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ,
- ડીપ ડિપ્રેશનને લીધે ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં 8 ઈંચ, ડાંગના વઘઈમાં 7 ઈંચ, નવસારીના વાંસદા અને તાપીના વ્યારામાં 6 ઈંચ, આ ઉપરાંત ઉચ્છલ, ધોલવાણ, સુબીર, ડાંગ-આહવા, 4થી સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. આમ બપોર સુધીમાં વરસાદ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ વિશ્રામ લીધો હતો. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તાર ઉપર એક ડિપ્રેશન સર્જાયુ છે. જે ગુજરાત પરથી પસાર થશે. એટલે બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. જોકે, શનિવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે આજે બપોર સુધીમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઝાપટાંથી લઈને 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાત તરફ મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો પર સર્જાયેલુ એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આવતીકાલનો દિવસ ભારે છે. ડિપ્રેશન ગુજરાતમાં કાલે 3જી સપ્ટેમ્બરના રોજ સવારના 6 કલાકથી ગુજરાતમાં પ્રવેશશે, અને તેના લીધે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ વાતાવરણ વાદળછાંયુ રહ્યું હતું. અને અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. ઓગસ્ટના અંતમાં મેઘરાજાએ વિરામ લીધા પછી છેલ્લા કેટલાક દિવસોથી નગરજનો ઉકળાટ અનુભવી રહ્યા હતા અને ગરમીનું પણ પ્રમાણ વધી ગયું હતું. આજ સવારથી ફરી પાછો વરસાદી માહોલ જામતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી ગઈ છે.