
એશિયા કપ 2025 પહેલાં રાશિદ ખાને રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં બન્યો સૌથી વધુ વિકેટ લેનારો બોલર
એશિયા કપ 2025ની શરૂઆત પહેલાં જ અફઘાનિસ્તાનના કેપ્ટન અને લેગ-સ્પિનર રાશિદ ખાને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. રાશિદ ખાન હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. 1 સપ્ટેમ્બર, સોમવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે રમાયેલી મેચમાં રાશિદે 4 ઓવરમાં ફક્ત 11 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે ન્યૂઝીલેન્ડના અનુભવી બોલર ટિમ સાઉથીને પાછળ મૂકી ટોચનું સ્થાન મેળવ્યું છે.
- ટોપ-5 સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી
રાશિદ ખાન (અફઘાનિસ્તાન): રાશિદ ખાને અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીયમાં 98 મેચ રમી છે અને 165 વિકેટ લીધી છે. એશિયા કપ 2025 માટે ઘોષિત અફઘાનિસ્તાનની 17 સભ્યોની ટીમનું નેતૃત્વ પણ તે જ કરી રહ્યો છે.
ટિમ સાઉથી (ન્યૂઝીલેન્ડ): લાંબા સમય સુધી ટોચ પર રહેલા ટિમ સાઉથી હવે બીજા સ્થાને સરક્યા છે. તેમણે 126 મેચમાં 164 વિકેટ ઝડપી છે. ડિસેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડમાં પોતાનો છેલ્લો T20 રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ઇશ સોઢી (ન્યૂઝીલેન્ડ): યાદીમાં ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડના જ લેગ-સ્પિનર ઇશ સોઢી છે. તેણે 126 મેચમાં 150 વિકેટ ઝડપી છે.
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ): ચોથા સ્થાને બાંગ્લાદેશના સર્વગુણસંપન્ન ખેલાડી શાકિબ અલ હસન છે. તેમણે 129 મેચમાં 149 વિકેટ લીધી છે. સપ્ટેમ્બર 2024માં તેમણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
મુસ્તફિઝુર રહેમાન (બાંગ્લાદેશ): યાદીમાં પાંચમા સ્થાને બાંગ્લાદેશના ડાબા હાથના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન છે. તેણે 113 મેચમાં 142 વિકેટ ઝડપી છે અને હાલ એશિયા કપ 2025 માટેની ટીમમાં સામેલ છે.
રાશિદ ખાને આ સિદ્ધિ સાથે માત્ર અફઘાનિસ્તાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું લેગ-સ્પિન બોલિંગનું દબદબું સાબિત કરી દીધું છે.