
- ભાભરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં મહિલા નેતાનું વિવાદાસ્પદ વિધાન
- વોટ બેન્કની નીતિને લીધે અનમત દુર કરી શકતાં નથીઃ નૌકાબેન પ્રજાપતિ
- વિરોધ થતાં મહિલા નેતાએ ફેરવી તોળ્યું, આ મારૂં વ્યક્તિગત નિવેદન છે
પાલનપુરઃ ઉત્સાહમાં આવીને કરાતો વાણી વિલાસ પક્ષને અને વ્યક્તિને પોતાને પણ ભારે પડતો હોય છે. જિલ્લાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના અગ્રણી મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. જેમાં ભાજપના પ્રદેશ મહિલા મંત્રીએ જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કરીને કહ્યું કે, ‘અનામત માથાનો દુખાવો બની ગયો છે. તેમના આ નિવેદનથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
જિલ્લાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબહેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને લઈને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તૃષ્ટીકરણની રાજનીતિ અને વોટ બેંકની નીતિના આધારે અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અનામત માથાનો દુખાવો બની રહ્યો છે. દેશમાં આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યું છે. દેશની પ્રોપર્ટી-મિલકત આપણી જ છે. મિત્રો, ભારતના નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે. રાષ્ટ્રભક્તિ ફક્ત 15મી ઓગસ્ટ કે 26માં જાન્યુઆરી નહીં પરંતુ આપણા અંદર દેશ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ.’
ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવેદનથી વિવાદ ઊભો થયો છે. એક તરફ ભાજપ કહેતુ આવ્યું છે કે, દેશમાં બંધારણ છે ત્યાં સુધી અનામતને કોઈ નાબૂત નહીં કરી શકે. ત્યારે બીજી તરફ, પ્રજાસત્તાક દિવસે બનાસકાંઠામાં ભાજપના મહિલા નેતાનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. જ્યારે નૌકાબહેન પ્રજાપતિએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ‘આ મારુ વ્યક્તિ નિવેદન હતું અને તેનાથી કોઈને હાની પહોંચી હોય તો હું માફી માંગું છે. પરંતુ આ કોઈ પાર્ટી વતી નિવેદન ન હતું.’