
- જિલ્લા કલેકટરને જંત્રી દર વધારા સામે આવેદનપત્ર અપાયું
- જંત્રી દરમાં વધારાથી જમીન-મકાનના સોદાને અસર થશે
- નવી જંત્રીના દરમાં સિનિયર સિટિજનનોને લાભ આપવો જોઈએ
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં જંત્રીના સૂચિત દર જાહેર કરાયા બાદ લોકો પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવ્યા છે. રાજ્યમાં ક્રેડોઈ સહિત અનેક સંસ્થાઓ તેમજ બિલ્ડર લોબીએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને નવી જંત્રીથી મકાનોના ભાવ આસમાને પહોંચશે. એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા રેવન્યુ બાર એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં નવી જંત્રીમાં થયેલા ભાવ વધારા અંગે લેખિત આવેદન પાઠવ્યું હતું. વિકસિત એવા સુરેન્દ્રનગર જિલ્લામાં નવી જંત્રી લાગુ પડશે તો જંત્રીના તોતિંગ દરથી લોકોની આર્થિક કમર ભાંગી જશે અને વિકાસના કામો અને જમીન મકાનના સોદાને અસર થશે.
ગુજરાત સરકારે નવી જંત્રીના દરમાં સુચિત વધારો કર્યો છે. અને નવા દરના અમલ પહેલા લોકો પાસેથી વાંધા સુચનો માગવામાં આવ્યા છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 20મી નવેમ્બરે જાહેર કરેલા ડ્રાફ્ટની જંત્રીમાં વધારા અંગે લોકો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. ત્યારે બિલ્ડર એસોસિયેશન બાદ સુરેન્દ્રનગર જિલ્લા રેવન્યુ બાર એસોસિયેશનના વકીલોએ બાર એસોસિયેશન સુરેન્દ્રનગર પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, નોટરી એસોસિયેશન પ્રમુખ રવિન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ હાલ નવી જંત્રીમાં ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. જે પ્રજાની કમર ભાંગી નાંખશે. વર્ષ 2023માં જે જંત્રી ડબલ થઇ તે ભાવ યથાવત રાખવા, જે એરીયામાં બજાર કિંમત કરતા પણ વધારે ભાવ જંત્રીમાં કરેલા છે ત્યાં સુધારો કરી વ્યાજબી ભાવ કરવા, હાલ જે સ્ટેમ્પ ડ્યુટી 4.90 ટકા છે તેમાં રજિસ્ટ્રેશન ફી જે 1 ટકા છે તેમાં રાહત કરી આપવી તેમજ અતિપછાત, પછાત, વિકસિત, મધ્યમ વિકસિત અને ખૂબ વિકસિત એરિયાના જંત્રી ભાવ અલગ રાખવા, દુકાનો, ઓફિસો વગેરે ભાવ અલગ અલગ રાખવા, જે તે વિસ્તારનો કયા વેલ્યુઝોનમાં સમાવેશ થાય છે તેનો નક્શો આપવો, સર્વે વોર્ડ નંબર લખવા, મિલકતનો દર 1.2 ટકા છે તે વધારો કરી 5 ટકા સુધી લઇ જવો, વાંધા સૂચન આવેલા છે તેમાં આખરી અહેવાલ મોકલવાનો હોય તેમાં રેવન્યુ વકીલ, બિલ્ડર એસો.ના પ્રતિનિધિ સાથે રાખવા, દુકાનો, ઓફિસોમાં પાર્કિંગનો ભાવ જે 20 ટકા છે તેમાં ઘટાડો કરી 10 ટકા કરવો, વર્ષમાં જે વ્યક્તિ 5 દસ્તાવેજ નોંધણી કરે ત્યારબાદ વરસ દરમિયાન બીજા કોઇ દસ્તાવેજ તેમના દ્વારા કરાય તો તે તમામની નોંધણી ફી માફી આપવી, મહિલા, સિનિયર સિટિઝનને વિશેષ રાહત આપવો વગેરે રજુઆત કરવામાં આવી હતી.