1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીમાં ધાર્મિક વિધિના બહાને લોકોને છેતરતી લૂંટારૂ ગેન્ગ પકડાઈ
અમરેલીમાં ધાર્મિક વિધિના બહાને લોકોને છેતરતી લૂંટારૂ ગેન્ગ પકડાઈ

અમરેલીમાં ધાર્મિક વિધિના બહાને લોકોને છેતરતી લૂંટારૂ ગેન્ગ પકડાઈ

0
Social Share

અમરેલી, 25 જાન્યુઆરી 2026:  લોકોને અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. ત્યારે ધાર્મિક વિધિ કરવાના બહાને લોકોનો વિશ્વાસ જીતી, સોનાના દાગીના અને રોકડની છેતરપિંડી કરતી રાજકોટની એક રીઢા ગુનેગારોની ગેંગને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરીને પૂછતાછ કરતા અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં બનેલા છેતરપિંડીના 20 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

​ અમરેલી એલસીબી પોલીસે બાતમીના આધારે રાજકોટના ભારતનગર વિસ્તારમાં રહેતા ​રમેશ લકુમ, ભરત લકુમ અને ​ઉપેન્દ્ર લકુમને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી 2.50 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.  આ ટોળકી બાઈક પર સવાર થઈ અલગ-અલગ જિલ્લાના ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં જતી હતી. રસ્તો પૂછવા કે પાણી પીવાના બહાને તે કોઈના ઘરે જઈ પરિવારની વિગતો જાણી લેતા હતા. ત્યારબાદ પોતે રામાપીરના ભગત છે અને રામામંડળ રમે છે તેવી ઓળખ આપી, ઘરના કોઈ સભ્યની બીમારી કે તકલીફ દૂર કરવાની લાલચ આપતા હતા. વિધિ કરવાના બહાને સોનાના દાગીના સફેદ કપડામાં રખાવી નજર ચૂકવીને ફરાર થઈ જવાની તેમની મોડસ ઓપરેન્ડી હતી.

પકડાયેલા શખસોની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તે વડિયાના જુના બાદલપુર અને અરજણસુખમાં સોનાની બુટ્ટીઓ તથા બગસરાના પીઠડીયા ગામેથી ઘરેણાં તફડાવ્યા હતા. આ ઉપરાંત ધ્રોલ, કાલાવડ, રાજકોટ શહેરના રેલનગર, લોધિકાના રાવકી અને પાળ ગામ, તેમજ જસદણ અને ટંકારા પંથકમાં રામામંડળના દીવેલના નામે રોકડ રકમની છેતરપિંડી કર્યાની કબૂલાત આપી છે.

 ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓ અગાઉ પણ માણાવદર અને રાજકોટ શહેરના પોલીસ મથકોમાં છેતરપિંડી અને મારપીટ જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. અમરેલી જિલ્લા સહિત છેતરપિંડી કરતી ગેગને દબોચી લેવામાં અમરેલી એલસીબીને સફળતા મેળવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code