- અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને સ્કૂટર બરાબર ચલાવતા નથી કહીને ઝગડો કર્યો હતો,
- અજાણ્યા શખસોએ સ્કૂટરની ચાવી દૂર રોડ પર ફેંકી દીધી,
- વેપારી સ્કૂટરની ચાવી લેવા જતા સ્કૂટરની ડેકીમાંથી 18 લાખ લૂંટી શખસો ફરાર
અમદાવાદઃ શહેરના નવરંગપુરમાં આંગડિયામાંથી વેપારી રૂપિયા લઈને સ્કૂટરની ડેકીમાં મૂકીને જઈ રહ્યા હતા. ત્યારે સરસપુરમાં વેપારીનો પીછો કરી રહેલા બાઈકચાલક સહિત શખસોએ વેપારીને ઊભા રખાવીને સ્કૂટર કેમ બરાબર ચલાવતા નથી કહીને ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી હતી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય બે વ્યક્તિઓ વેપારીના સ્કૂટરની ડેકી ખોલીને 18 લાખની લૂંટ ચલાવી હતી. આ અંગે વેપારીએ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સાબરમતીમાં રહેતા નારાયણદાસ બિનાની લોખંડના ખરીદ વેચાણનો ધંધો કરે છે. ગઈકાલે તા. 12 નવેમ્બરે તેઓ તેમના ટુ-વ્હીલર જ્યુપિટર લઈને દરિયાપુર ખાતે મિત્રને મળવા ગયા હતા. આ દરમિયાન એક વેપારીને 18 લાખ ધંધાના આપવાના હોવાથી તેઓ નવરંગપુરા ખાતે આવેલા ઈશ્વર સોમા નામની આંગડિયા પેઢીમાં ગયા હતા, જ્યાં તેમના વેપારના 21.36 લાખ રૂપિયા આવ્યા હતા. આ પૈસામાંથી તેમણે 18 લાખ રૂપિયા વાહનની ડેકીમાં મૂકી દીધા હતા, જ્યારે બાકીના 3.36 લાખ રૂપિયા ખભા પર ભરાવેલી બેગમાં મૂક્યા હતા.
ત્યારબાદ વેપારી નારાયણદાસ જ્યુપીટર સ્કૂટર લઈ રખિયાલ ખાતે કામ માટે નીકળ્યા હતા. સાંજે 5:15 વાગ્યાની આસપાસ સરસપુર વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક અજાણ્યા બાઈકચાલકે તેમનું આગળ બાઇક લાવીને કહ્યું કે કાકા સ્કૂટર બરાબર ચલાવો જેમ તેમ ન ચલાવો. જેથી બંને વચ્ચે રકઝક થઈ ગઈ હતી. બાઈક ચાલકે નારાયણ દાસના જયુપીટર વાહનની ચાવી કાઢીને થોડા આગળ લઈ જઈ રોડ પર ફેંકી દીધી હતી. જેથી નારાયણદાસ ચાવી લેવા ગયા ત્યારે તેમના જયુપીટરની ડેકી ખોલીને એક્સેસ પર આવેલા બે વ્યક્તિ ડેકીમાંથી 18 લાખ ભરેલી બેગ લઈને નાસી ગયા હતા.
આ બનાવ બનતા વેપારી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. 18 લાખની લૂંટનો મામલો હોવાથી ઝોન 3 ડીસીપી, એસીપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો તપાસ માટે પહોચ્યો હતો. મોડીરાત સુધી પોલીસે તપાસ કરી હતી. પોલીસે બે અલગ અલગ વાહન પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


