નવી દિલ્હીઃ સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના 26માં ગવર્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. મલ્હોત્રાએ, શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે, જેઓ છ વર્ષ સુધી આરબીઆઈ ગવર્નર હતા. આ પ્રસંગે મલ્હોત્રાએ આરબીઆઈના વારસાને જાળવી રાખવા અને તેને આગળ લઈ જવાનું વચન આપ્યું હતું.
આરબીઆઈના ગવર્નરનો કાર્યભાર સંભાળ્યા બાદ સંજય મલ્હોત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,” તેઓ આરબીઆઈના વારસાને જાળવી રાખશે અને તેને આગળ લઈ જશે.” શક્તિકાંત દાસ પાસેથી કાર્યભાર સંભાળ્યા પછી, મલ્હોત્રાએ કહ્યું, “નીતિમાં સ્થિરતા અને સાતત્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સંસ્થામાં વિશ્વાસ જાળવી રાખવા માટે, જનહિતમાં નિર્ણયો લેવામાં આવશે.”
તેમની સાથે ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે. એમ.રાજેશ્વર રાવ અને ટી.બી. શંકર પણ હાજર રહ્યા હતા. આ પહેલા રિઝર્વ બેંકના હેડ ક્વાર્ટર પહોંચતા સંજય મલ્હોત્રાનું આરબીઆઈના વરિષ્ઠ કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું.
મલ્હોત્રાએ 3 વર્ષ સુધીઆરબીઆઈ ગવર્નરનું પદ સંભાળ્યું છે. રાજસ્થાનના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી મલ્હોત્રા, પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન જેવા ક્ષેત્રોમાં કુશળતા સાથે જાહેર નીતિમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.
જો કે, મલ્હોત્રા એવા સમયે આરબીઆઈ ગવર્નરનું પદ સંભાળી રહ્યા છે જ્યારે દેશ, મોંઘવારી તેમજ સુસ્ત અર્થતંત્રનો સામનો કરી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં રિટેલ મોંઘવારી દર, 14 મહિનામાં સૌથી વધુ 6.21 ટકાના સ્તરે પહોંચી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષના, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને સાત ત્રિમાસિક ગાળામાં 5.4 ટકાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. તેને ટ્રેક પર લાવવાની જવાબદારી, આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની રહેશે.