- કેટલાક મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા 19મી નવેમ્બરથી લેવાશે,
- પરીક્ષાઓ બે શિફ્ટમાં યોજાશે, સવારે 10:30થી અને બપોરે 2:30થી પરીક્ષા લેવાશે,
- ટાઈમટેબલ અને સીટ નંબરની માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થતાં અન્ડર ગ્રેજ્યુએટ (UG) સેમેસ્ટર-5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સેમેસ્ટર-3ની પરીક્ષાઓ લેવાશે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ 11 નવેમ્બર 2025થી શરૂ થશે, કેટલાક મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા 19મી નવેમ્બરથી લેવાશે. યુનિવર્સિટીએ તમામ ફેકલ્ટીઓ માટે સમયપત્રક જાહેર કરતાં વિદ્યાર્થીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ તુરંત જ કોલેજોમાં પરીક્ષાનો માહોલ છવાઈ જશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોલેજો અને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, પરીક્ષા દરમિયાન કડક નિયમો લાગુ રહેશે. કોઈ પણ પ્રકારની અયોગ્ય હરકત સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સત્તાવાર ટાઈમટેબલ અને સીટ નંબરની માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ તપાસવી રહેશે. સાથે સાથે, પરીક્ષા સંબંધી કોઈ તાકીદની માહિતી માટે યુનિવર્સિટીના ઈ-મેલ exam01@sauuni.ac.in પર સંપર્ક કરી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોના આચાર્યો અને ભવનના અધ્યક્ષોને સ્પષ્ટ સૂચના આપી છે કે, યુનિવર્સિટીની પરીક્ષાઓનું કેન્દ્ર તે જ કોલેજ/સંસ્થા રહેશે. આથી, પરીક્ષાના સમયગાળા દરમિયાન કોલેજ કે સંસ્થામાં અન્ય કોઈ પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે નહીં, જેથી યુનિવર્સિટીની પરીક્ષાની વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે. આ તારીખ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને સત્વરે તૈયારીઓ પૂર્ણ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. 11 નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં UG અને PG કક્ષાના વિવિધ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 માટે મુખ્ય કોર્સમાં આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે B.A., મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે B.B.A., કમ્પ્યૂટર એપ્લિકેશનના વિદ્યાર્થીઓ માટે B.C.A., કોમર્સના વિદ્યાર્થીઓ માટે B.COM, અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે B.SC. ની પરીક્ષાઓ સવારના સેશનમાં યોજાશે. આમ જુદી જુદી ફેકલ્ટીના કુલ 53 કોર્સની પરીક્ષા લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે માહિતી આપી છે કે, પરીક્ષાઓ બે શિફ્ટમાં યોજાશે. સવારની શિફ્ટ 10:30થી 1:00 સુધી અને બપોરની શિફ્ટ 2:30થી 5:00 સુધી રહેશે. તમામ પરીક્ષાઓ CBCS (Choice Based Credit System) તેમજ NEP-2020 (નવી શિક્ષણ નીતિ) અંતર્ગત લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન CCTV દેખરેખ અને Q.P.D.S. (Question Paper Delivery System) ફરજિયાત રહેશે જેથી પારદર્શિતા અને શિસ્ત જળવાઈ રહે.


