
- ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપશે,
- એક નવી સોચ અભિયાન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગે લીધો નિર્ણય,
- હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવાશે
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોનું વાહનચાલકો પાસે પાલન કરાવવું કઠિન બનતું જાય છે. કારણ કે શિક્ષિત ગણાતા વાહનચાલકો પણ ટ્રાફિક ભંગ કરવામાં મોખરે રહેતા હોય છે. ત્યારે આજના બાળકોને જો ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવે તો કાલે મોટા થઈને વાહન ચલાવવામાં સ્વયં શિસ્ત અને નિયમોનું પાલન કરશે. આથી ટ્રાફિક વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શાળામાં બાળકોને દર શનિવારે એક નવી સોચ અભિયાન અંતર્ગત ટ્રાફિકના પાઠ ભણાવવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં બેગ લેસ ડેના નિર્ણય બાદ ટ્રાફિક વિભાગે દર શનિવારે નવતર પ્રયોગની શરૂઆત કરી છે. હવે અમદાવાદ ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમનના પાઠ ભણાવવાનો નવો વિચાર અમલમાં મૂક્યો છે. એટલે હવે એક નવી સોચના અભિયાન હેઠળ ટ્રાફિકના અધિકારીઓ દ્વારા સુરક્ષા, સલામતી, સાવધાની અને સતર્કતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
ટ્રાફિક પોલીસ કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તે વાહનચાલકો સામે દંડની કાર્યવાહીના પાઠ ભણાવતી હોય છે. પરંતુ હવે ટ્રાફિકના નિયમોના પાલન માટે ટ્રાફિક વિભાગે પોતાની સોચ બદલી છે અને એક નવી સોચ અભિયાન શરૂ કર્યું છે. હાલમાં જ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8માં દર શનિવારે બેગ લેસ ડે રાખવા પરિપત્ર કર્યો છે, જેનો અમલ પણ અનેક શાળાઓએ કર્યો છે.
શાળાઓમાં શનિવારે બાળકોએ બેગ લઈને નહીં આવવા અને શાળાઓમાં યોગ, સૂર્યનમસ્કાર અને બાળકોને તણાવ મુક્ત રાખવાના કાર્યક્રમો યોજવાના આદેશ કર્યા છે ત્યારે દર શનિવારે બેગ લેસ ડેના નિર્ણયના શાળાઓમાં અમલની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે આ નિર્ણયને આવકાર્યો છે અને સાથે એક નવા અભિયાનની શરૂઆત કરી છે. એક નવી સોચ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને હવે ટ્રાફિક નિયમનના પાઠ ભણાવવામાં આવશે. અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં અમદાવાદ ટ્રાફિક વિભાગના જેસીપી એન એન ચૌધરી, ટ્રાફિક DCP નીતા દેસાઈ સહિત અધિકારીઓએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોના પાઠ શીખવ્યા. વિદ્યાર્થીઓને હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા લેવડાવાશે. (File photo)