
- 8મી મે સુધી પ્રવેશ મેળવી લેવા વાલીઓને સમય અપાયો
- કેટલીક સ્કૂલો પ્રવેશ માટે આનાકાની કરતી હોવાની વાલીઓએ કરી ફરિયાદ
- સરકારના આદેશનું પાલન ન કરનારી સ્કૂલો સામે પગલાં લેવાશે
અમદાવાદ: શહેરમાં આર્થિકરીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. શહેરમાં RTE હેઠળ હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમને 8 મે સુધી પ્રવેશ મેળવવાનો સમય આપવામાં આવ્યો છે. જોકે ઘણી શાળાઓ RTE હેઠળ પ્રવેશ મળ્યો છે છતાં કેટલીક શાળાઓ કોઈને કોઈ કારણસર વાલીઓને ધક્કા ખવડાવી રહી હોવાની ફરિયાદ ઉઠતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને ધક્કા નહીં ખવડાવવા શાળાઓને આદેશ કર્યો છે. જો સરકારના આદેશનું પાલન કરવામાં નહીં આવે તો શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં 8 મે સુધીમાં બાળકને પ્રવેશ આપી ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી સત્વરે કરી દેવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે.
ગુજરાતની ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 93 હજાર જેટલી બેઠકો માટે પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં 14600 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. બાળકોને પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડનો પ્રવેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. અને વાલીઓને પ્રવેશ મેળવવા 8 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. જોકે હાલ કેટલીક શાળાઓ વાલીઓને કોઈને કોઈ ડોક્યુમેન્ટ માટે ધક્કા ખવડાવી રહી છે અને પ્રવેશ ફાળવવામાં આનાકાની કરી રહી છે. જેની ફરિયાદ રોજે રોજ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ થઈ રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ RTE પ્રવેશ માટે નિયત કરવામાં આવેલા ડોક્યુમેન્ટ જ શાળાઓએ મેળવી પ્રવેશ ફાળવવા આદેશ કર્યો છે. વધારાના કોઈ ડોક્યુમેન્ટ વાલીઓ પાસે માંગણી કરી કનડગત કરવી નહીં. જે શાળાઓ આવા વધારાના ડોક્યુમેન્ટ માંગી વાલીઓને ધક્કા ખવડાવશે અને પ્રવેશ આપવામાં આનાકાની કરશે તો આવી શાળાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, 8 મે સુધીમાં પ્રથમ રાઉન્ડ અંતર્ગત પ્રવેશ કન્ફર્મ કરવાનું વાલીઓને જણાવાયું છે. ત્યારે બાળકના પ્રવેશ માટે ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી સત્વરે કરી દેવાની ખાસ સૂચના આપવામાં આવી છે.
આ સમયમર્યાદામાં વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હોય પણ શાળાએ એડમિટ બટન પર ક્લિક કરી પ્રવેશ નિયત કરવા અંગેની કાર્યવાહી નહિ કરી હોય તો તે જગ્યા ખાલી છે તેમ સમજી લેવામાં આવશે અને ત્યાર પછીના રાઉન્ડમાં એ જગ્યા પર અન્ય વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે. એટલે કે એક બેઠક પર બે વિદ્યાર્થીઓનો પ્રવેશ થઈ શકે છે. જેથી આવી ભૂલ ન થાય અને આવો છબરડો ન સર્જાય તેને લઈને ખાસ સૂચના આપી છે. જો આ પ્રકારની કોઈ ભૂલ થાય છે તો તેની જવાબદારી જે તે શાળાની રહેશે તેવા આદેશ પણ કરવામાં આવ્યો છે.