
- આગામી 6 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ
- તાપમાન સાથે ઉકળાટ વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયો
- તાપમાનમાં વધારો થવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં લોકો કોળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. પણ લોકો 45 ડિગ્રી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ સહિત શહેરોમાં બપોરના ટાણે રોડ પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો હતો. લોકો કામ વિના ઘર બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. દરમિયાન પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનોની અસરથી અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ સુધી યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી મ્યુનિ.એ કરી છે. આ સમય દરમિયાન ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
ગુજરાતમાં આ વખતે લોકો 43 કે 44 ડિગ્રી તાપમાનમાં અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. મોટેભાગે જમીન તરફ આવતાં ગરમ પવનો વાતાવરણમાં ઉપર અથવા નીચલા લેવલે જઇને ત્યારબાદ જમીન તરફ પાછા ફરે છે. પરંતુ, જયારે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ગરમ પવનો જમીનની આસપાસ રહે છે, જેથી આ ગરમ પવનો વધુ ગરમ બની જમીન તરફ પાછા ફરે છે, જેથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થયો ન હોવા છતાં અસહ્ય ગરમીની સાથે બફારો અનુભવાય રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. કંડલામાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ભૂજ અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે.
આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થયો છે. અને હજુ ત્રણ-ચાર દિવસ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ચાર દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતા છે. તેમજ રાજ્યમાં હવામાન વિભાગે 1લી મે સુધી તાપમાનમાં સતત વધારો થવાની આગાહી કરી છે. અને પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ રહેશે.