
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. ઘટનાસ્થળેથી હથિયારો મળી આવ્યા હતા. અહીં અબુઝહમદમાં, રાજુ દાદા ઉર્ફે કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફે કાદરી સત્યનારાયણ રેડ્ડી, એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા. આ બંન્ને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ હતુ.
બસ્તર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદી વિસ્તારમાં અબુજમાડમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી કાર્યવાહી પર મોકલવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે ટીમ આ વિસ્તારમાં પહોંચી ત્યારે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ ઘટનાસ્થળે તપાસ કરી અને બે નક્સલીઓના મૃતદેહ, એક AK-47 રાઇફલ, અન્ય શસ્ત્રો, વિસ્ફોટકો, પ્રચાર સામગ્રી અને દૈનિક ઉપયોગની વસ્તુઓ મળી આવી. વિસ્તારમાં ગોળીબાર ચાલુ છે.
તેમણે કહ્યું કે માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા પછી વિગતવાર માહિતી આપવામાં આવશે.
આ વર્ષે 249 નક્સલીઓ માર્યા ગયા
આ કાર્યવાહી સાથે, આ વર્ષે છત્તીસગઢમાં વિવિધ એન્કાઉન્ટરમાં 249 નક્સલીઓ માર્યા ગયા છે. આમાંથી, બસ્તર વિભાગમાં (જેમાં નારાયણપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે) 220 નક્સલીઓ માર્યા ગયા હતા, જ્યારે રાયપુર વિભાગના ગારિયાબંદ જિલ્લામાં 27 અન્ય નક્સલીઓ માર્યા ગયા હતા. દુર્ગ વિભાગના મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં બે અન્ય નક્સલીઓ માર્યા ગયા હતા.
રાજ્યના ગારિયાબંદ જિલ્લામાં 11 સપ્ટેમ્બરના રોજ એક એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ના સેન્ટ્રલ કમિટી મેમ્બર (સીસીએમ) મોડેમ બાલકૃષ્ણ સહિત દસ નક્સલીઓ માર્યા ગયા હતા.