
- સૌથી વઘુ રીસર્ચ સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં છતા અનેક જગ્યાઓ ખાલી,
- અધ્યાપકોની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓના ભણતર પર પડતી અસર
- ઘણી ફેકલ્ટીઓમાં 15 વર્ષથી ભરતી થઈ નથી
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં પુરતા વિદ્યાર્થીઓ છે. પણ તેમને ભણાવવા માટે પુરતા પ્રોફેસરો, અધ્યાપકો નથી. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં છેલ્લાં 15 વર્ષથી વધુ સમયથી 100થી વધુ પ્રોફેસરની ભરતી ન થતાં વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. એક તરફ અધ્યાપકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી, તો બીજી તરફ 600થી વધુ ફેકલ્ટીની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. પ્રોફેસરો ઉપરાંત એસોસિએટ પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 600થી વધુ જગ્યાઓ હાલમાં ખાલી છે.
વડોદરા યુનિવર્સિટી શિક્ષણ માટે દેશભરમાં પ્રતિષ્ઠિત ગણાય છે. યુનિવર્સિટીએ અનેક વિજ્ઞાનિકો આપ્યા છે. તાજેતરમાં જ યુનિવર્સિટીમાં 73મા દીક્ષાંત સમારોહમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને જાણીતા વૈજ્ઞાનિક સી. વી. રામકૃષ્ણનના પુત્ર વેંકી રામકૃષ્ણનએ બાયોકેમિસ્ટ્રી વિભાગની મુલાકાત લીધી હતી. આવા વૈજ્ઞાનિકો તે સમયે આજ યુનિવર્સિટીમાંથી ઊભરી આવ્યાં હતા યુનિવર્સિટીની તે સમયની સ્થિતિ અને હાલની પરિસ્થિતિ કઈક અલગ જ જોવા મળી રહી છે. તે સમયે આજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, પ્રોફેસર તરીકે જાણીતાં બન્યા છે. જ્યારે આજના સમયમાં પરિસ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળી રહી છે. હાલ યુનિવર્સિટીમાં રિસર્ચનો રેસિયો ઘટ્યો છે.
એમએસ યુનિના ભવનો અને કોલેજના ઉચ્ચ શિક્ષણમાં ખાસ કરીને પ્રોફેસરની પોસ્ટ સર્વોચ્ચ ગણાતી હોય છે. અહીંયાં રિસર્ચ, પીએચડી પરીક્ષાને લગતી તેમજ અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ પ્રોફેસરના સીરે હોય છે. ત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પ્રોફેસર જ ન હોય તો ગતિશીલ ગુજરાતની વાતો કરતી સરકાર પહેલાના સમય જેવા વૈજ્ઞાનિકો ક્યાંથી મેળવી શકશે? આજે વિવિઘ ફેકલ્ટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 600થી વધુ જગ્યાઓ હાલમાં ખાલી છે. જેમાં સૌથી વધુ પ્રોફેસરોની જગ્યાઓ સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં ખાલી છે, અહીં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતો સ્ટાફ નથી. હાલમાં વિવિધ ફેકલ્ટીમાં પ્રોફેસરોની 100થી વધુ જગ્યાઓ, જ્યારે એસોસીએટ પ્રોફેસરની 150થી વધુ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 400થી વધુ જગ્યાઓ ખાલી છે. જેના કારણે યુનિવર્સિટીના શિક્ષણ પર દિન-પ્રતિદિન વિપરીત અસર જોવા મળી રહી છે.
યુનિવર્સિટીની ટેકનોલોજી તેમાં સાયન્સ ફેકલ્ટીની હાલત તો સૌથી વધારે કફોડી બની છે. મહત્વની બાબત છે કે, આ બંને ફેકલ્ટી એવી છે કે જ્યાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પીએચડી અને રિસર્ચ અહીંયાથી કરતા હોય છે. પરંતુ યુનિવર્સિટી સેનેટમાં રજૂ કરાયેલી માહિતી પ્રમાણે જોવામાં આવે તો ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસરોની 55, એસોસિએટ પ્રોફેસરની 72 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 65 જગ્યાઓ ખાલી છે. જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસરની 19, એસોસિએટ પ્રોફેસરની 33 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 70થી વધુ જગ્યાઓ ખાલી છે.
યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે મહત્વની ભૂમિકા ભજવતા કર્મચારીઓની પણ ખૂબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. ત્યારે અહીંયા સરકાર કાયમી ભરતી કરે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. તો બીજી તરફ અનેક કર્મચારીઓ રિટાયર્ડ થતા હોવાથી યુનિવર્સિટીમાં કર્મચારીઓની પણ અંદાજિત 2000થી વધુ જગ્યાઓ ખાલી છે. જેમાં સૌથી વધારે ટેકનોલોજી અને હેડ ઓફિસ ખાતે ખાલી છે. આ ખાલી જગ્યાઓ પર હંગામી કર્મચારીઓ કામ કરતા હોય છે. પણ હંગામી કર્મચારીઓની સંખ્યા પણ ઘણી જગ્યાએ પૂરતી ન હોવાથી વહીવટી કામગીરી પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને નવા આવનાર વાઈસ ચાન્સેલર કઈ રીતે કામગીરી કરે છે, તે સૌથી મોટો સવાલ છે.