- સરકારે ખાતરનો જથ્થો ફાળવ્યો છતાં માગ વધુ હોવાથી સ્થિતિ ઠેરની ઠેર
- સાબરકાંઠાના વડાલીમાં પણ યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી
- રવિ સીઝન ટાણે જ ખાતરની તંગીથી ખંડૂતો મુશ્કેલીમાં મુકાયા
પાલનપુરઃ રવિ સીઝનના ટાણે જ જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે તાજેતરમાં યુરિયા ખાતરનો જથ્થો ફાળવ્યો છે. પણ ખેડૂતોની માગ વધુ હોવાથી યુરિયા ખાતરનો જથ્થો અપુરતો છે. જિલ્લાના દાંતીવાડા અને ભાભરમાં યુરિયા ખાતરની આવક ઓછી પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા પંદર દિવસથી દાંતીવાડા, કોલોની સહિતના વિસ્તારોમાં ખાતર માટે ખેડૂતો વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ઠંડીમાં લાંબી લાઈનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે.
રાસાયણિક ખાતર ન મળવાથી તંત્ર સામે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે, અડધો શિયાળો વીતી ગયો, હવે મોડું ખાતર શું કામનું? સમયસર યુરિયા ન મળે તો શિયાળુ પાકને ભારે નુકસાન થશે. જ્યારે તાલુકા સંઘ મેનેજર ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 220 ટન યુરિયાની આવક થઈ છે, જ્યારે આજે વધારાના 37 ટન ખાતર મળ્યું છે, જેમાંથી દરેક ખેડૂતને ત્રણ-ત્રણ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ભાભરમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવતાં સોમવારે વહેલી સવારથી જ ખેડૂતોની કતાર જોવા મળી હતી. જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતાં પોલીસ બોલાવવી પડી હતી.
યુરિયા ખાતરની તંગી માત્ર બનાસકાંઠા નહીં પણ સાબરકાંઠામાં પણ જોવા મળી રહી છે. સાબરકાંઠાના વડાલી સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. રવિ પાકના વાવેતર સમયે ખાતર મેળવવા માટે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, જેના કારણે સવારથી જ ખાતરની દુકાનો બહાર લાંબી કતારો લાગી રહી છે.
ખેડૂતોને રવિ પાક માટે યુરિયા ખાતરની આવશ્યકતા છે. સમયસર ખાતર ન મળવાથી પાકના ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. જિલ્લામાં ખાતર માટે રેકની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં, ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ યુરિયા ખાતર મળી રહ્યું નથી. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે.


