ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈજામાંથી સ્વસ્થ થવા દરમિયાન તેના શુભેચ્છકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ઐયરને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શ્રેયસ અય્યરે ફિટનેસ અપડેટ આપ્યું છે.
શ્રેયસ અય્યરે ગુરુવારે (30 ઓક્ટોબર) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું કે, “હું હાલમાં રિકવરીની પ્રોસેસમાં છું. હું દરેક પસાર થતા દિવસ સાથે સ્વસ્થ થઈ રહ્યો છું. મને મળેલી શુભેચ્છાઓ અને સમર્થન માટે હું ખૂબ આભારી છું. તે મારા માટે ઘણો મહત્ત્વ ધરાવે છે.”
25 ઓક્ટોબરના રોજ, ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 34મી ઓવરમાં હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કેરીને કેચ કર્યા પછી શ્રેયસ જમીન પર ઢળી પડ્યો હતો. જેમાં અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી અય્યરને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં ડ્રેસિંગ રૂમમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. શરૂઆતમાં તેને પાંસળીમાં ઈજા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં ગંભીરતા નક્કી થયા પછી અય્યરને સિડની હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “શ્રેયસને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે આંતરિક રક્તસ્રાવ પણ થયો હતો. ઈજા તરત જ ઓળખાઈ ગઈ હતી. સારવાર પછી તરત જ રક્તસ્રાવ બંધ થઈ ગયો હતો.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અય્યરની તબિયત હવે સારી છે અને નિરીક્ષણ હેઠળ છે. મંગળવારે રિપીટ સ્કેન કરવામાં આવ્યું હતું જેમાં તેની ઈજામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બોર્ડની મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને, તેની રિકવરી પર નજર રાખશે.”
શ્રેયસ અય્યરે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે એડિલેડમાં 61 રનની ઇનિંગ રમી હતી. તેણે ત્રીજી મેચમાં બેટિંગ કરી ન હતી. આ શ્રેણી સાથે, અય્યરે ICC મેન્સ ODI બેટિંગ રેન્કિંગમાં એક સ્થાનનો સુધારો કરીને 9મા સ્થાને પહોંચી ગયો છે.


