![ખેડૂતોની આવક વધારવા માટે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરાઈઃ શિવરાજ સિંહ ચૌહાણ](https://www.revoi.in/wp-content/uploads/2024/12/SHIVRAJ-SINGH.png)
- ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન, ખાતર અને યાંત્રિક ખેતી માટે સબસિડી અપાઈ
- કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છેઃ કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હીઃ ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ માસ 2 હજાર 115 રૂપિયાથી વધીને 2018-19માં દસ હજાર 218 રૂપિયા પ્રતિ માસ થઇ છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે સરકારની છ મુદ્દાની વ્યૂહરચનામાં ઉત્પાદન વધારવું, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનના વાજબી લઘુત્તમ ભાવો સુનિશ્ચિત કરવા, કુદરતી આપત્તિઓથી થતા નુકસાનની ભરપાઈ, કૃષિમાં વૈવિધ્યકરણ અને કુદરતી અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી ચૌહાણે કહ્યું, આ સિવાય ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન અને ખાતર અને યાંત્રિક ખેતી માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ખેડૂતોને બે લાખ 14 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છે.