નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાને કારણે જનજીવનને માઠી અસર થઈ છે. રાજ્યના 173 માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. હિમવર્ષાને કારણે માત્ર રસ્તાઓ પરની અવરજવર જ અટકી નથી પરંતુ વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. રાજ્યભરમાં 683 પાવર ટ્રાન્સફોર્મર બંધ છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કુફરી, નારકંડા, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ સહિત શિમલાના અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના કારણે ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. શિમલા જિલ્લામાં સૌથી વધુ 89 રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જેમાં જિલ્લાના ઉપરવાસના રસ્તાઓનો સમાવેશ થાય છે. કિન્નૌરમાં 44, મંડીમાં 25, કાંગડામાં છ, કુલ્લુમાં ચાર, લાહૌલ સ્પીતિમાં બે અને ચંબામાં એક માર્ગ બંધ છે. હિમવર્ષાના કારણે કુલ્લુમાં બે અને લાહૌલ-સ્પીતિમાં એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. ઉના જિલ્લામાં વરસાદના કારણે ત્રણ રસ્તા પરનો વાહનવ્યવહાર થંભી ગયો છે.
વહીવટીતંત્રે સંબંધિત વિભાગોને માર્ગો પુનઃસ્થાપિત કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે ખરાબ હવામાનના કારણે રાહત કામગીરીમાં અડચણ આવી રહી છે. હિમાચલમાં ખરાબ હવામાનને કારણે જનજીવન ખોરવાયું છે. સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગઈકાલે રાત્રે અટલ ટનલમાં જામના કારણે સેંકડો પ્રવાસીઓ અટવાઈ પડ્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા 800 પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.