
- પાંજરાઓ પર ફુવારા અને વુડન શેલ્ટર મુકાયા
- ગરમીને લીધે પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો
- જરૂરિયાત મુજબ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી
રાજકોટઃ શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અસહ્ય ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓના પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ કેન્ડી, સિંહ, વાઘ, દીપડાનાં પાંજરામાં વિશાળ પોન્ડ બનાવાયા છે. આ ઉપરાંત પ્રાણીને ઠંડક મળે તે માટે કૃત્રિમ ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે તો સાથે પ્રાણીઓનાં શરીરમાં ગરમીની અસર ઓછી થાય તે માટે ORS આપવામાં આવી રહ્યું છે. ફક્ત એટલું જ નહીં શાકાહારી માંસાહારી પ્રાણીઓ માટે આઇસ કેન્ડી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાને લઈ વિવિધ પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં ગરમીથી બચાવવા પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, હાલમાં ઝુ ખાતે જુદી-જુદી 62 પ્રજાતિઓના કુલ 545 વન્ય પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને આ તમામ પ્રાણીઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવતી હોય છે. હાલ ઉનાળાની ઋતુ દરમિયાન સખત તાપ અને ગરમીમાં પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે જેવા મોટા કદના પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના તળાવ બનાવાયા છે. જેથી આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પાણીમાં બેસી ગરમીથી રાહત મેળવે છે. આ ઉપરાંત પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા મુકાયા છે. તો તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર બેસીને આ પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે.
આ ઉપરાંત ઉનાળામાં બપોરે તાપમાનનો પારો ખૂબ જ ઊંચો હોય ત્યારે રીંછને ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે અને રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરિયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી સંખ્યામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓ વરૂ, શિયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વગેરેના પાંજરામાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે.
પ્રદ્યુમન પાર્ક ઝૂના સુપ્રિટેન્ડેન્ટના કહેવા મુજબ સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીના ખોરાકમાં અંદાજે 10% જેટલો ઘટાડો નોંધાતો હોય છે. જ્યારે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વગેરે દૈનિક ખોરાકમાં વધારો નોંધાય છે ત્યારે ગરમીને કારણે ઝૂ ખાતે તમામ પ્રાણી-પક્ષીઓને ઝાડા કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ORS આપવામાં આવે છે તો તમામ પ્રકારના હરણના પાંજરાઓમાં પૂરતા પ્રમાણમાં વૃક્ષો દ્વારા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે.