
- ગઢેચી શદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ
- દબાણો હટાવાથી 4120 મીટર જગ્યા ખૂલ્લી થઈ
- 35 મિલકતધારકોએ પોતાની માલિકીના હક-દાવા રજુ કર્યા
ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ગઢેચી વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણો થયેલા છે. ગઢેચી નદી કાંઠીના બન્ને બાજુ કાચા-પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. અને રહિશોને વીજળી અને પાણીના જોડાણો પણ મળેલા હતા, આ વિસ્તારમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવાનો હોવાથી ગેરકાયદે મકાનધારકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 5 દિવસમાં 776 દબાણો દુર કરવામાં આવ્યા છે. કેટલાક રહિશોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મેગા ડિમોલિશન કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. પાંચ દિવસની આ કાર્યવાહીમાં કુલ 776 દબાણો દૂર કરી 4120 મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. મ્યુનિના વિવિધ વિભાગો, PGVCL અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે બોરતળાવથી ક્રીક સુધીના વિસ્તારમાં આ કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દિવસે 185, બીજા દિવસે 215, ત્રીજા દિવસે 118, ચોથા દિવસે 131 અને પાંચમા દિવસે 10 દબાણો દૂર કરવામાં આવ્યાં હતા.
એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ, શનિવારે બાકી રહેલા 10 દબાણો દૂર કરી મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જો કે, 35 મિલકત ધારકોએ પોતાની માલિકીના હક-દાવા રજૂ કર્યા છે, જેની તપાસ ચાલુ છે. આ તપાસ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.