
મધ્યપ્રદેશમાં બે મહિલા ન્યાયિક અધિકારીઓની નોકરીમાંથી કાઢી મૂકવાના આદેશને સુપ્રીમ કોર્ટે ના મંજુર રાખ્યો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યપ્રદેશમાં બે મહિલા ન્યાયિક અધિકારીઓની સેવા સમાપ્તિના આદેશને ફગાવીને આ કાર્યવાહીને “શિક્ષાત્મક, મનસ્વી અને ગેરકાયદેસર” ગણાવી હતી. જસ્ટિસ બી. વી. નાગરત્ન અને ન્યાયાધીશ એન. કોટિશવર સિંહની બેન્ચે બંને અધિકારીઓને 15 દિવસની અંદર સેવામાં પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ચુકાદો સંભળાવતી વખતે, ન્યાયાધીશ નાગરત્ને કહ્યું હતું કે, “આ બે ન્યાયિક અધિકારીઓની સેવા સમાપ્તિ શિક્ષાત્મક, મનસ્વી છે અને તેથી આ કાર્યવાહી ગેરકાયદેસર છે.” ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે ચુકાદામાં ભારતીય ન્યાયતંત્રમાં મહિલાઓના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા બે મહિલા ન્યાયિક અધિકારીઓની સેવાઓની સમાપ્તિ સંબંધિત કેસમાં સર્વોચ્ચ અદાલતે 17 ડિસેમ્બર, 2024 ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 11 નવેમ્બર, 2023 ના રોજ રાજ્ય સરકાર દ્વારા છ મહિલા સિવિલ જજોને કથિત અસંતોષકારક કામગીરીને કારણે બરતરફ કરવાના મામલામાં સ્વતઃ નોંધ લીધી હતી.
જોકે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની પૂર્ણ અદાલતે 1 ઓગસ્ટ, 2024 ના રોજ તેના અગાઉના પ્રસ્તાવો પર પુનર્વિચાર કર્યો અને ચાર અધિકારીઓ – જ્યોતિ વરકડે, સોનાક્ષી જોશી, પ્રિયા શર્મા અને રચના અતુલકર જોશી – ને કેટલીક શરતો સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો, જ્યારે અન્ય બે – અદિતિ કુમાર શર્મા અને સરિતા ચૌધરી – ને પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા.