1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ કરાયો
સુરતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ કરાયો

સુરતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ કરાયો

0
Social Share

સુરતઃ ખેડૂતો અને વપરાશકર્તાઓને અત્યંત લાભદાયી એવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડુતોને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેવા આશયથી સુરત જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સુરત શહેરના વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ થયો છે. પ્રાકૃતિક કૃષિ માટે મિશન મોડ માં કામ કરી રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે પ્રાકૃતિક કૃષિ બજાર ખુલ્લું મુકાયું હતું.

વેસુની એસ.ડી.જૈન સ્કુલની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પૈકીના ૭૦થી વધુ ખેડૂતો પોતાના ઉત્પાદનોના વેચાણ માટે આવ્યા હતા. ખેડૂતો અહીં દર બુધવાર અને રવિવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી શ્રેષ્ઠ અને સ્વાસ્થ્યપ્રદ ગુણવત્તાવાળા અને કેમિકલમુક્ત શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું વેચાણ કરશે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. તેમણે ખેડુતોના પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલા આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.

રાજય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય, ધરતીની ફળદ્રુપતા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે કાર્ય કરી રહી છે. જે માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉકેલ છે, એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, આજે નવા નવા રોગોનું પ્રમાણ વધ્યું છે. કેન્સર, ડાયાબિટીસ, નાના બાળકોમાં હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે. ખેતીમાં રાસાયણિક ખાતરો, પેસ્ટીસાઈડસના બેફામ ઉપયોગથી ખોરાકમાં ઝેરનું પ્રમાણ વધ્યું છે. લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરીને ઉપભોકતાઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતનમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આચાર્ય દેવવ્રતજીએ દર બુધવારે અને રવિવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો વેચાણ માટે આવે ત્યારે સુરતીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, લોકો જેટલા નાણા હોસ્પિટલમાં ખર્ચ કરે છે તે નાણાનો ઉપયોગ પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદીમાં કરશે તો બિમારી આવશે જ નહી. શરીર નિરોગી અને સ્વસ્થ રહેશે.

તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રાકૃતિક ખેતી મિશનને રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન બનાવીને દેશના બજેટમાં રૂા.૧૪૮૧ કરોડની જોગવાઇ કરી છે. જેનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન મિશન મોડમાં ચાલશે. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા પંચાયત તથા સુરત મહાનગરપાલિકાની આ પહેલ અંતર્ગત ખેડૂતો તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોને સીધા જ બજારમાં વેચી શકશે, જેનાથી તેમને ખેત ઉત્પાદનોના સારા ભાવ મળશે અને આવકમાં વધારો થશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોના લોકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રાકૃતિક કૃષિ પેદાશો વાજબી કિંમતે મેળવવા માટે સરળતા થશે જેનાથી સ્વાસ્થ્યની જાળવણી થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code