
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધાર્મિક પ્રસંગે ભોજન બાદ 200 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. રાહતની વાત એ છે કે, તમામની તબિયત સુધારા પર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાત દિવસમાં ફૂડ પોઈઝનિંગનો ત્રીજો બનાવ છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે રામાપીર મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગ બાદ 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ચકચારી મચી જવા પામી હતી. રબારી સમાજના માતાજીના માંડવામાં છાસ પીવાના કારણે 200 લોકોને અસર થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. તમામ અસરગ્રસ્તોને તત્કાલ સુદામડા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.
આ ધાર્મિક કાર્યક્રમમાં આશરે 1500 જેટલા લોકોએ પ્રસાદ લીધો હતો, જેમાંથી 200 લોકોની તબિયત અચાનક લથડી પડી હતી અને તાત્કાલિક ધોરણે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ચાર જેટલી ટીમો અને ડોક્ટર સહિતનો સ્ટાફ સારવારમાં જોડાયો હતો. અસરગ્રસ્તોમાં સૌથી વધુ નાના બાળકોનો સમાવેશ થાય છે. ઉપરાંત સાયલા તાલુકાના પીએચસી તેમજ સીએચસીનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. ટનાને પગલે ડેપ્યુટી કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને જરુરી સૂચનો કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, જિલ્લામાં ફૂડ પોઈઝનિંગ બાબતે છેલ્લા 7 દિવસમાં આ ત્રીજો બનાવ બન્યો છે. જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી છે. બીજી તરફ, સમયસર સારવાર મળી રહેતા મોટાભાગના લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે 20 જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે. આ ઉપરાંત, સુદામડા ગામમાં જે કુટુંબોએ પ્રસાદી લીધી હતી અને તેમના સ્વાસ્થયની તપાસ આરોગ્ય વિભાગે હાથ ધરી છે.