
ત્રિકોણીય T20 સીરિઝમાં અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલો છેલ્લો લીગ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો. અફઘાનિસ્તાને છેલ્લા બોલ પર યુએઈને 4 રનથી હરાવી દીધું. યુએઈને છેલ્લી ઓવરમાં જીત માટે 17 રનની જરૂર હતી. ફરીદ અહમદની ઓવરના પહેલા બોલ પર આસિફ ખાને ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર છગ્ગો આવી ગયો. છેલ્લા 4 બોલ પર 7 રન જોઈતા હતા. ત્રીજા બોલ પર બે રન બન્યા. હવે છેલ્લા 3 બોલ પર 5 રનની જરૂર હતી. અહીં મેચ યુએઈના હાથમાં હતી. પરંતુ, ચોથા અને પાંચમા બોલ પર કોઈ રન ન બન્યો. છેલ્લા બોલ પર 5 રન જોઈતા હતા. ફરીદ અહમદે આસિફને વિકેટકીપર ગુરબાજના હાથમાં કેચ આઉટ કરાવ્યો અને અફઘાનિસ્તાનને 4 રનથી જીત અપાવી.
યુએઈ જીતી શકાય તેવો મુકાબલો હારી ગયું. આસિફ ખાને 28 બોલમાં 40 રન બનાવ્યા. આ પહેલાં 171 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે યુએઈની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર અલીશાન શરીફુ અને કૅપ્ટન મુહંમદ વસીમે પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી. પરંતુ, અફઘાનિસ્તાનની જેમ યુએઈનો મિડલ ઓર્ડર પણ નિષ્ફળ રહ્યો. તેનો પ્રભાવ રનની ગતિ પર પડ્યો. આસિફ પાસે છેલ્લી ઓવરમાં મેચ જીતાવવાનો સુવર્ણ મોકો હતો, પરંતુ તે ચૂકાઈ ગયો. ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 166 રન જ બનાવી શકી અને 4 રનથી હારી ગઈ. ઓપનર અને કૅપ્ટન વસીમે 29 બોલમાં 44 રન અને શરીફુએ 23 બોલમાં 27 રન બનાવ્યા. જોહેબ ખાને 19 બોલમાં 23 અને હર્ષિત કૌશિકે 12 બોલમાં 15 રન બનાવીને નોટઆઉટ રહ્યા.
આ પહેલાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રહમાનુલ્લાહ ગુરબાજ અને ઇબ્રાહિમ જાદરાને ટીમને મજબૂત શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 12 ઓવરમાં 98 રનની ભાગીદારી કરી. આ સમયે એવું લાગી રહ્યું હતું કે અફઘાનિસ્તાનનો સ્કોર 190ની આસપાસ જશે. પરંતુ, મિડલ ઓર્ડર રનની ગતિ વધારી શક્યો નહીં અને ટીમ 4 વિકેટ ગુમાવીને 170 રન જ બનાવી શકી. કરીમ જન્નતે 28, ગુલાબદીન નવીમે 20 અને અજમાતુલ્લાહ ઓમરજાઈએ 14 રન બનાવ્યા. અફઘાનિસ્તાન મેચમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ વગર ઉતર્યું હતું. ટીમની કમાન ઇબ્રાહિમ જાદરાન સંભાળી રહ્યા હતા.