સુરેન્દ્રનગર, 30 ઓગસ્ટ, 2026 : The 21st Rural Olympic Competition will be held during the Bhatigal Mela in Tarnetar. જિલ્લાના થાનગઢના તરણેતર ખાતે યોજાનારા તરણેતરના ભાતીગળ લોકમેળા દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ’21મી ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ ઓલિમ્પિકનો ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાશે. આ ઓલિમ્પિકમાં રાજ્યભરના 16 વર્ષ સુધીના બાળકોથી લઈને ઓપન કેટેગરીના રમતવીરો ભાગ લઈ શકશે.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સૂત્રોના જણાવ્યા મુજબ તરણેતરના લોકમેળા દરમિયાન યોજાનારા ગ્રામીણ ઓલિમ્પિકના પ્રથમ દિવસે, એટલે કે 14 સપ્ટેમ્બર, 2026ના રોજ, 16 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો માટે 100, 200, 800 મીટર દોડ અને લાંબી કૂદ જેવી સ્પર્ધાઓ યોજાશે. ઓપન કેટેગરીના ભાઈઓ અને બહેનો માટે 100, 400, 800 મીટર દોડ, ગોળાફેંક, લાંબી કૂદ અને 4 x 100 મીટર રિલે દોડનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, 12 વર્ષ સુધીના બાળકો માટે ભાઈઓ અને બહેનોની 9 ખેલાડીઓની ટીમની લંગડી સ્પર્ધા પણ યોજાશે.
જ્યારે બીજા દિવસે, 15 સપ્ટેમ્બર, 2026ના રોજ, ઓપન કેટેગરીની બહેનો માટે 50 મીટર માટલા દોડ, 10 ખેલાડીઓની વોલીબોલ અને કબડ્ડી સ્પર્ધાઓ યોજાશે. ઓપન કેટેગરીના ભાઈઓ માટે નારિયેળ ફેંક, 10 ખેલાડીઓની વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ અને સાતોડી (નારગોલ) જેવી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.
ત્રીજા અને અંતિમ દિવસે, 16 સપ્ટેમ્બર, 2026ના રોજ, 16 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો માટે દોરડાકૂદ (રોપ સ્કીપિંગ) સ્પર્ધા યોજાશે. ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી અને રસ્સાખેંચની સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. કુસ્તીમાં 45-55 કિલોગ્રામ, 55-68 કિલોગ્રામ અને 68 કિલોગ્રામથી ઉપરના વજન વર્ગનો સમાવેશ થાય છે. રસ્સાખેંચ 10 ખેલાડીઓની ટીમ માટે રહેશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ 10 સપ્ટેમ્બર, 2026 સુધીમાં અરજી ફોર્મ ભરીને જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કૃષ્ણાનગર સામે, મીલ રોડ, લીંબડી, સુરેન્દ્રનગર-362421ના સરનામે પોસ્ટ દ્વારા અથવા [email protected] ઈ-મેઈલ પર મોકલી શકશે.


