રાજકોટ, 4 જાન્યુઆરી 2026: Narmada water poured into Aji-1 dam in Rajkot શહેરમાં ગત ચોમાસા દરમિયાન આજી-1 ડેમ છલોછલ ભરાયો હતો. પણ શિયાળાના બે મહિનામાં જ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. શહેરમાં વસતી સાથે વિસ્તારોમાં પણ વધારો થતાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. આજી-1 ડેમમાં ચાલુ મહિનાના અંત સુધી ચાલે તેટલું જ પાણી હોવાથી અગાઉ નર્મદાનાં નીરની માંગ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજી-1 જળાશયમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ માત્ર આજી ડેમમાં પાણી ઠલવવામાં આવી રહ્યુ છે. 15 જાન્યુઆરી બાદ ન્યારી ડેમમાં પણ સિંચાઇ વિભાગ પાણી આપે તેવી શકયતા છે. આમ ઉનાળામાં પાણીની મુશ્કેલી નિવારવા અત્યારથી તૈયારી કરવામાં આવી રહી છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે મહિના પહેલા જ રાજ્ય સરકાર પાસે શહેરના બે મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં 3150 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. આરએમસીની માગને સરકારે મંજુરી આપતા આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. દરવર્ષે ચોમાસામાં આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થાય તો પણ ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને જળાશયોમાં દર વર્ષે 2600 એમસીએફટી નર્મદાના નીર ઠલવવા પડે છે.
સૂત્રોના કહેવા મુજબ ચાલુ વર્ષે હવે સૌરાષ્ટ્ર બ્રાન્ચની નર્મદા કેનાલની મરામતની કામગીરી ઉનાળા દરમિયાન હાથ ધરવામાં આવશે. આથી એપ્રિલ-મે માસ દરમિયાન રાજકોટને નર્મદાના નીર મળે તેમ નહીં હોવાના કારણે આરએમસી દ્વારા 2600 એમસીએફટીના બદલે રાજ્ય સરકાર પાસે 3150 એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી. જેને સરકારે મંજુરી આપી છે. આજી-1 ડેમમાં ગઈકાલે સૌની યોજના અંતર્ગત 7 એમસીએફટી પાણી ઠલવાયું હતુ. ડેમમાં પ્રથમ તબક્કે કેટલું પાણી લેવું તે અંગે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવશે. ન્યારી-1 ડેમમાં હજુ 15 જાન્યુઆરી બાદ સૌની યોજનાના પાણી શરૂ થાય તેમ છે. મોટા ભાગે નર્મદા કેનાલનું રીપેરીંગ કામ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ થાય તેવી શકયતા છે. કારણ કે ઉનાળામાં બે દિવસ રાજકોટ તથા અન્ય શહેરોને પણ પાણી બંધ થશે. આથી સરકાર જયાં જરૂર હોય ત્યાં ઉનાળા પહેલા પાણી આપી દેવા માંગે છે.
રાજકોટ શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા આજી અને ન્યારી ડેમમાં પાણી ઓછું થતું જતું હોય રજુઆત પરથી મચ્છુ ડેમ ખાતેથી પમ્પીંગ કરી બે દિવસ પહેલા પાણી છોડવામાં આવતા ગઇકાલથી પાણી શરૂ થયું છે. આજી અને ન્યારી ડેમ આ વર્ષે પણ છલકાયા હતા. પરંતુ હવે માત્ર ડેમ આધારીત પાણી વિતરણ વ્યવસ્થા પુરૂ વર્ષ ચાલતી નથી. શહેરમાં રોજ 20 મીનીટ પાણી માટે બંને જળાશયોમાં દર વર્ષે 2600 એમસીએફટી નર્મદાના નીર ઠલવવા પડે છે.


