પાલનપુર, 20 જાન્યુઆરી 2026: વિવિધ સમાજોમાં પ્રવર્તા ખોટા રિવાજો- ખોટા ખર્ચાઓ સામે સમાજના અગ્રણીઓ જાગૃત બની રહ્યા છે. અને સમાજના મહા સંમેલનો બોલાવીને નવા બંધારણ બનાવી રહ્યા છે. રબારી સમાજ દ્વારા પણ આગામી 25 જાન્યુઆરીએ સમાજ સુધારણા માટે મહાસંમેલન યોજાશે. આ મહા સંમેલન પહેલા રબારી સમાજના આગેવાન અને ભામાશા માવજી દેસાઇ સહિતના અનેક આગેવાનો ગામે ગામ જઇને મહાસંમેલનમાં આવવા માટે આહવાન કરી રહ્યા છે. કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી સમાજ બહાર આવે તે માટે આ મહા સંમેલનમાં સમાજનું બંધારણ પણ નક્કી થશે.
ડીસા ખાતે આગામી તા.25 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતનું રબારી સમાજનું બંધારણ માટેનું મહા સંમેલન યોજાશે. રબારી સમાજના મહા સંમેલનમાં બનાસકાંઠાના સૌથી વધારેમાં વધારે રબારી સમાજના લોકો ઉપસ્થિત રહે અને કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે તે માટે સમાજના આગેવાન અને રબારી સમાજના ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી તેમજ સમાજના અનેક આગેવાનો ગામડે ગામડે ફરીને મીટીંગો કરી રહ્યા છે. સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા, પ્રસંગોમાં જુના રીતરિવાજો અને ખોટા ખર્ચા ન કરવા, શિક્ષણ પાછળ વધારે ધ્યાન આપવા તરફ પ્રેરી રહ્યા છે. સમાજના લોકોને ખોટા ખર્ચાઓ ઘટાડી ખર્ચા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે એવી સમજણ આપવામાં આવી રહી છે.
બનાસકાંઠામાં ઠાકોર સમાજે સમાજ સુધારણા માટેનું બંધારણ બનાવ્યું છે. જે બાદ પ્રસંગોમાં ખર્ચા ખટાડવા માટે જાગીરદાર રાજપૂત સમાજે પણ પોતાનું અલગ સામાજિક બંધારણ બનાવ્યું છે. અંધશ્રદ્ધા તેમજ લગ્નમાં ખોટા ખર્ચા ઘટાડી શિક્ષણ ક્ષેત્રે વધુ ધ્યાન આપવામાં આવે તે માટે રબારી સમાજ દ્વારા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


