
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પૂર્વોત્તર વિદ્યાર્થી અને યુવા સંસદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્ટુડન્ટ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર-સ્ટેટ લિવિંગ (SEIL) દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વોત્તરને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય રત્ન સમાન ગણાવી હતી. જે વારસામાં સમૃદ્ધ છે, જે ભારતના સાંસ્કૃતિક તાણાવાણાને વધારે છે. તેમણે ખાસ કરીને પ્રવાસનનાં દ્રષ્ટિકોણથી વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવાની આ ક્ષેત્રની પ્રચૂર સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતમાં સૌથી ઊંચો બુદ્ધિઆંક ધરાવતા પૂર્વોત્તરના યુવાનોની પ્રશંસા પણ કરી હતી અને નોંધ્યું હતું કે, આ વિસ્તારમાં સૌથી વધુ મહેનત કરતી કેટલીક જનજાતિઓ વસે છે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વોત્તર વિવિધતાની ભૂમિ છે, જેમાં 220થી વધારે આદિવાસી જૂથો, 160 જનજાતિઓ, 200 બોલીઓ અને ભાષાઓ, 50 વિશિષ્ટ તહેવારો અને 30થી વધારે વિશ્વ પ્રસિદ્ધ નૃત્ય સ્વરૂપો સામેલ છે.
અમિત શાહે સ્વીકાર્યું હતું કે, અનેક વિશિષ્ટ ગુણો હોવા છતાં, જ્યારે વિવિધ ભ્રમણાઓ અને વિવાદો ઊભા કરીને વિદ્રોહ અને અલગાવવાદને વેગ મળ્યો હતો, ત્યારે પૂર્વોત્તર વિકાસમાં પાછળ રહી ગયું હતું. તેમણે ધ્યાન દોર્યું હતું કે હિંસા, બંધ, ડ્રગ્સ, નાકાબંધી અને પ્રાદેશિકવાદે આ પ્રદેશને વિભાજિત કર્યો છે. જેના કારણે માત્ર ઉત્તર-પૂર્વ અને દેશના બાકીના ભાગો વચ્ચે જ નહીં પરંતુ આ ક્ષેત્રની અંદરના રાજ્યો વચ્ચે પણ વિભાજન થયું છે. પરિણામે, પૂર્વોત્તરને વિકાસમાં 40 વર્ષના વિલંબનો સામનો કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન આતંકવાદ અને અલગતાવાદી જૂથો મુખ્ય અવરોધો બન્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે પણ તેમનો પક્ષ સત્તામાં આવ્યો છે, ત્યારે તેણે હંમેશા પૂર્વોત્તરને પ્રાથમિકતા આપી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અગાઉ આટલા મોટા અને અવિકસિત ક્ષેત્ર માટે કોઈ અલગ મંત્રાલય નહોતું, પણ અટલજીના નેતૃત્વમાં સરકાર દરમિયાન તેની સ્થાપના થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર કેન્દ્ર સરકારના દરેક કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ એ છે કે, ઉત્તર-પૂર્વ અને ભારત વચ્ચેનું અંતર ઘટાડવું. તેમણે જાહેરાત કરી હતી કે, વર્ષ 2027 સુધીમાં ઉત્તર-પૂર્વનાં તમામ રાજ્યોની રાજધાનીઓ રેલવે, હવાઈ અને માર્ગ નેટવર્ક મારફતે જોડાઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ ન માત્ર પૂર્વોત્તર અને ભારતનાં અન્ય ભાગો વચ્ચે ભૌતિક જોડાણ વધાર્યું છે, પણ ભાવનાત્મક મતભેદો દૂર કરવા પણ કામ કર્યું છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારે દરેક યોજનાનાં હાર્દમાં પૂર્વોત્તરને જાળવી રાખ્યું છે, તેઓ એક પછી એક વિદ્રોહી જૂથો સાથે ચર્ચાવિચારણા કરે છે, તેમની ચિંતાઓ સમજે છે અને સમજૂતીઓ મારફતે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા કામ કરે છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં અત્યારે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. 2004 થી 2014 ની વચ્ચે, આ વિસ્તારમાં હિંસાના 11,000 બનાવો બન્યા હતા. જ્યારે 2014 થી 2024 સુધીમાં, આ સંખ્યા લગભગ 70% ઘટીને 3,428 થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, સુરક્ષા દળોના મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને નાગરિકોના મૃત્યુમાં 89 ટકાનો ઘટાડો થયો છે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, મોદી સરકારે તમામ વિદ્રોહી જૂથો સાથે સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. જેના પગલે 10,500થી વધારે બળવાખોરોએ તેમનાં શસ્ત્રો સુપરત કરી દીધાં છે અને મુખ્ય પ્રવાહમાં પુનઃસંકલન સ્થાપિત કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં વિદ્રોહી જૂથો સાથે 12 મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયાં છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ સરકારે પૂર્વોત્તરની ભાષાઓ, બોલીઓ, સંસ્કૃતિ, વેશભૂષા, પરંપરાગત નૃત્યો અને કળાઓનું સન્માન કર્યું છે અને તેનું જતન કર્યું છે. ત્યારે 10,000થી વધારે વ્યક્તિઓ દ્વારા શસ્ત્રોની શરણાગતિને પ્રોત્સાહન આપીને સમગ્ર વિસ્તારમાં શાંતિનું વાતાવરણ ઊભું કર્યું છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રદેશનો વિકાસ શાંતિ વિના શક્ય નથી. કારણ કે શાંતિ એ પ્રગતિ માટેની મૂળભૂત પૂર્વશરત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શાહે મોદી સરકાર હેઠળ અવકાશ ટેકનોલોજીથી પૂર્વોત્તરને થયેલા નોંધપાત્ર ફાયદાઓ વિશે જણાવ્યું હતું, જેમાં પૂર્વોત્તર અંતરિક્ષ એપ્લિકેશન સેન્ટર (એનઈએસએસી) મારફતે આશરે 110 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વમાં પૂરનાં વ્યવસ્થાપન માટે સેટેલાઇટ મેપિંગ અને ટોપોગ્રાફીનો ઉપયોગ આ વિસ્તારમાં 300થી વધારે તળાવોનાં નિર્માણની યોજના બનાવવા માટે કરવામાં આવ્યો છે. જે આગામી દિવસોમાં પૂરનું કાયમી વ્યવસ્થાપન સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન છેલ્લા 10 વર્ષોમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકારે આ ક્ષેત્ર માટે અંદાજપત્રીય જોગવાઈઓમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014-15ની સરખામણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-25 માટે બજેટમાં 153 ટકાનો વધારો કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વધુ સારી કનેક્ટિવિટી માટે માર્ગો પર રૂ. 41,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ગ્રામીણ માર્ગો પર રૂ. 47,000 કરોડનો અલગથી ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એક રીતે મોદી સરકારે નોર્થ-ઇસ્ટમાં 90,000 કરોડ રૂપિયા ખાસ કરીને સડકો માટે ખર્ચ કર્યા છે. શાહે જણાવ્યું હતું કે, એર કનેક્ટિવિટી માટે 64 નવા હવાઈ માર્ગો શરૂ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ પાછળ રૂ.4,800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે રેલવે માટે રૂ.18,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.