- તમામ કોર્પોરેટરોના પ્રવાસ પાછળ બે કરોડનો ખર્ચ કરાશે,
- સ્ટડી ટુરના નામે 192 કોર્પોરેટરો મોજ માણશે,
- વિપક્ષના કોર્પોરેટરો પણ પ્રવાસ માટે લલચાયા
અમદાવાદઃ પ્રજાના મતે ચૂંટાયેલો સત્તાધારી પક્ષ એ પ્રજાના ટેક્સની તિજોરીનો રખેવાળ ગણાય છે. એટલે કે પ્રજાના ટેક્સના નાણા ક્યા અને કેવી રીતે વાપરવા તે નક્કી કરતો હોય છે. ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો પ્રજાના ટેક્સના પૈસે કાશ્મીરની સહેલગાહે જઈ રહ્યા છે. મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં સત્તાધારી પક્ષનો વિરોધ કરનારા કોંગ્રેસ,એમ.આઈ.એમ સહિત ભાજપના 158 એમ કુલ 192 કોર્પોરેટરો કાતિલ ઠંડીમાં પણ શ્રીનગરની મોજ માણશે. એએમસી કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસ ખર્ચ પાછળ રુપિયા બે કરોડનો ખર્ચ સ્ટડી ટુરના નામે કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ પ્રજાના રૂપિયે કોર્પોરેટરોને ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. મ્યુનિ પોતાના 192 કાઉન્સિલરોને જમ્મુ-કાશ્મીર ફરવા લઈ જશે. આ તમામ કોર્પોરેટરને ફરવા લઈ જવા માટે બે કરોડનું બજેટ પાસ કરાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે, મહામહેનતે રૂપિયા કમાઈને લોકો ટેક્સ ભરે છે, અને આ ટેક્સનો ઉપયોગ લોકોની સુવિધાને બદલે કોર્પોરેટરને જલસા કરાવવા માટે થાય છે. મ્યુનિના કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા જ કરાવવા માંગે છે. એક તરફ, અમદાવાદમાં રસ્તાઓના ઠેકાણા નથી. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સુવિધાના નામે મીંડું છે. આવામાં AMC કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. સ્ટડી ટૂરના નામે મ્યુનિ. પોતાના કોર્પોરેટરોને કાશ્મીર ફરવા લઈ જશે. આ કાશ્મીર પ્રવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર જોડાશે. 18 ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કાઉન્સિલરો કાશ્મીર લઈ જવાશે. 5 રાત્રિ અને 6 દિવસનો કાશ્મીરનો પ્રવાસ રહેશે. કોર્પોરેટરો 30-30ના ગ્રૂપમાં જશે. આ તમામ ખર્ચ એએમસી ઉપાડશે. જેના માટે કુલ 2 કરોડનું બજેટ ફાળવાયું છે. એક તરફ ફ્લાવર શોની ટિકિટના ભાવ વધારી દેવાયા છે. તો બીજી તરફ, પ્રજાના પૈસા કોર્પોરેટરને જલસા કરાવાશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોને કાશ્મીરમાં સ્ટડી ટુર કરાવવાના નિર્ણય અંગે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, એક તરફ ટેક્સ ઉઘરાણી મામલે સીલિંગ કરાય છે, બીજી તરફ આવા તાયફા. આ બિનજરૂરી ખર્ચ કરવાની જરૂર નથી. આવા પ્રવાસના બદલે પ્રજાકીય કામોમાં ખર્ચ કરવો જોઈએ. કોંગ્રેસ કોર્પોરેટરો જશે કે નહીં એ મને ખબર નથી પણ તેઓ યોગ્ય નિર્ણય કરશે એવી આશા છે.