
- ખાનગી શાળાઓ ધો.1માં 25 ટકા બાળકોને RTE અંતર્ગત મફત પ્રવેશ આપે છે,
- ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે,
- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને કરી રજુઆત
સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ-1માં ગરીબ પરિવારોના 25 ટકા બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા ખાનગી શાળાઓને આપવામાં આવે છે. પણ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓને 7 કરોડ જેટળી ફી સરકારે હજુ ચૂકવી નથી. આ મામલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણાઅધિકારીને પત્ર લખીને રજુઆત કરી છે.
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓને સરકારે આરટીઈ અંતર્ગત ફી ન ચુકવતા શાળા સંચાલકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારીને પત્ર લખીને રજુઆત કરી છે કે, આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓને ચૂકવવાની થતી અંદાજે 6000 વિદ્યાર્થીઓેની સાત કરોડ કરતા વધુ રકમ હજુ સુધી મળી નથી. જેના કારણે શાળા સંચાલકો અને સ્ટાફની દિવાળી બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. કહેવાય છે કે, સરકાર તરફથી રકમ તો આવી ગઈ છે, પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની બેદરકારી અને ઉદાસીન વલણને કારણે આ રકમનું વિતરણ અટકી પડયું છે. આર.ટી.ઈ.ની ફી સરકાર દ્વારા જુલાઈના અંતમાં અને ઓગસ્ટ માસની શરૃઆતમાં જ જેતે જિલ્લામાં ફાળવી દેવામાં આવતી હોય છે.
સૂત્રોના કહેવા મુજબ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં આર.ટી.ઈ. ફી શાળાઓના ખાતામાં જમા પણ થઈ ગઈ છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ હજુ સુધી બાકી રકમ જમા નથી થઈ ? જેના કારણે શાળાઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક શાળા તરફથી કચેરીમાં વારંવાર માંગણી કરવામાં આવે છે કે રકમનું ઝડપથી વિતરણ કરવામાં આવે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જો આ રકમનું વિતરણ તાત્કાલિક નહીં કરવામાં આવે તો શાળાઓના સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર પડી શકે છે.