અમદાવાદ, 02 માર્ચ, 2026: The heat in Falgun will make you feel like a hot summer શિયાળાની વિદાય સાથે ઉનાળાનું આગમન થઈ ગયું છે. ફાગણ મહિનાના પ્રારંભમાં ઠંડી-ગરમી મિશ્રિત બે ઋતુનો અનુભવ થતો હતો. હવે ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે બે દિવસમાં તામપાનનો પારે 38 ડિગ્રીએ અને માર્ચના અંત સુધીમાં ગરમીનો પારે 40 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. દરમિયાન આગામી 5મી માર્ચથી 8મી માર્ચ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘યલો એલર્ટ’ અપાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતભરમાં આગામી દિવસમાં ઉનાળો વધુ આકરો બનશે. અને માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમીએ આ વર્ષે થોડી વહેલી જ દસ્તક આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહેવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી ઉકળાટભર્યું વાતાવરણ રહેશે અને તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
હવામાનના ખાનગી આગાહીકારોના કહેવા મુજબ માર્ચ મહિનામાં ભયાનક ગરમીનો અનુભવ થશે. કારણ કે, અલ નીનો સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જેને કારણે 10 માર્ચ બાદ ગરમીનો પારો ઉંચે જશે. એટલું જ નહિ, ગરમીનો પારો માર્ચના અંત સુધીમાં 43 ડિગ્રી પર પણ પહોંચી શકે છે. લા નીનો સિસ્ટમ પહેલાથી જ પ્રશાંત મહાસાગરમાં સક્રિય છે. જેને કારણે વર્ષની શરુઆતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિાયન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયુ હતું. પરંતુ હવે અલ નીનો સક્રિય થઈ ગયું છે. જેને કારણે વાતાવરણ પલટાશે. અને ઠંડીને બદલે ગરમી પડશે. અલ-નીનો એક એવી કુદરતી ઘટના છે જેમાં પેસિફિક મહાસાગરની સપાટીનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. આ કારણે વાતાવરણમાં ભેજ ઘટતા ઠંડા પવનો રોકાઈ જાય છે અને ગરમ લૂ ફૂંકાય છે. લઘુતમ-મહત્તમ તાપમાનમાં વધારો થતાં બફારો વધે છે. આ કારણે ઉનાળામાં વધુ ગરમી પડે છે.


