અમદાવાદ, 7 જુન, 2026 : The new academic session will begin tomorrow ગુજરાતમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા આવતી કાલે તા. 8મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. મોટાભાગના વાલીઓને સ્કૂલ સ્ટેશનરી, પુસ્તકો-નોટ્સબુકો, અને સ્કૂલ યુનિફોર્મ સહિતની જરૂરી ચિજ-વસ્તુઓ ખરીદી લીધી છે. કાલે સોમવારથી ઉનાળાના લાંબા વેકેશન બાદ ફરી એકવાર શાળાઓમાં બાળકોના હાસ્ય, કલરવ અને ઉત્સાહભર્યા અવાજોથી સમગ્ર શાળા સંકુલો ગુંજી ઊઠશે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ઉનાળાના વેકેશનમાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરની સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં આગાતરી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. શાળાના વર્ગખંડોની સફાઈ, રંગરોગાન, પીવાના પાણીની વ્યવસ્થા, બેસવાની સુવિધા તેમજ અન્ય જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. નવા વિદ્યાર્થીઓના પ્રવેશ, પુસ્તકોનું વિતરણ અને સમયપત્રકની તૈયારી પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. વાલીઓ પોતાના બાળકો માટે નવા યુનિફોર્મ, સ્કૂલ બેગ, પાણીની બોટલ, પુસ્તકો, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે.
આવતી કાલે શાળાઓમાં પ્રથમ દિવસે ખાસ કરીને ધોરણ 1માં પ્રવેશ લેનારા નાના બાળકો માટે શાળાનો પ્રથમ અનુભવ યાદગાર બની રહે તે માટે ઘણી શાળાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક સ્થળોએ ફૂલો, તિલક અને મીઠાઈ સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. નવા મિત્રો, નવા શિક્ષકો અને નવા વાતાવરણને લઈને બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ શૈક્ષણિક કામગીરી સુચારું રીતે શરૂ થાય તે માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે. શિક્ષકોને અભ્યાસક્રમ મુજબની કામગીરી સમયસર શરૂ કરવા તેમજ વિદ્યાર્થીઓની હાજરી વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓમાં સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત બાબતો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.


