સુરેન્દ્રનગર, 13 મે 2026 : Ranch locust numbers increase કચ્છના નાના રણ તરીકે ઓળખાતાના ખારાઘોડાના અફાટ રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા એક જ વર્ષમાં 40થી વધીને 200 પર પહોંચી હોવાનું વનવિભાગનું માનવુ છે. આ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણમાં આવેલા કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર રણલોંકડીના 9 જીવંત દર મળી આવ્યા બાદ રણલોંકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી. જે છેલ્લા એક વર્ષમાં બમણીથી વધારે થતાં હાલમાં રણમાં અંદાજે 200 જેટલી દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રણલોંકડી એ ભુખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળુ પ્રાણી છે. રણલોંકડી એ કદમાં શીયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે. તે સામાન્ય રીતે સુકા, પાંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે. લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટેભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે રણલોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. રાત્રે અને સાંજના સમયે વિશિષ્ઠ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.
અગાઉ રણમાં અંદાજે 40થી 50ની સંખ્યામાં રણ લોંકડી હતી. રણમાં રણલોંકડીના 60 જેટલા બચ્ચાઓ જોવા મળ્યા છે. હાલમાં રણમાં અંદાજે ખુબ જ મોટી સંખ્યામાં રણલોંકડી હોવાનો અંદાજ છે. આ સિવાય રણમાં દુર્લભ કાળીયારનું ઝુંડ અને વરૂની પણ હાજરી જોવા મળી છે.


