ખારાઘોડાના રણ વિસ્તારમાં દૂર્લભ ગણાતી રણલોંકડીનો વસવાટ, 3 વર્ષમાં વસતી વધીને 150ની થઈ
- નાનારણમાં ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી સહિતનો વસવાટ
- રણમાં આવેલા પુમ્બ બેટ પર રણલોંકડીના એકસાથે નવ જીવંત દર મળી આવ્યા,
- રણલોંકડીના સંરક્ષણ માટે વન વિભાગ બન્યો સક્રિય
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી, ઝિંઝુવાડા, ધ્રાંગધ્રા, અને ખારઘોડા સહિતનો રણ પ્રદેશ કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોડાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા વધી રહી છે. અને છેલ્લા 3 વર્ષમાં રણલોંકડીની સંખ્યા 3 ગણી વધીને 150 આસપાસ હોવાનું વનવિભાગનું માનવું છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણમાં આવેલા કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર થોડા દિવસો અગાઉ દુર્લભ રણલોંકડીના એકસાથે નવ જીવંત દર મળી આવ્યા હતા. અગાઉ રણમાં રણલોંકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી. જે છેલ્લાં 3 વર્ષમાં 3 ગણી વધતા હાલમાં કચ્છના નાના રણમાં અંદાજે 150થી વધુ દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
બજાણા વન વિભાગના અધિકારીના કહેવા મુજબ કચ્છના નાના રણમાં અગાઉ રણમાં અંદાજે 40થી 50ની સંખ્યામાં રણ લોંકડી હતી. હાલમાં કચ્છના નાના રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા છે. હાલમાં રણમાં અંદાજે 150થી વધુ રણલોંકડી હોવાનો અંદાજ છે. જ્યારે રણમાં આવેલા પુમ્બ બેટ પરતો રણલોંકડીના એકસાથે નવ જીવંત દર પણ જોવા મળ્યા હતા.


