
- સમાન સિવિલ કોડ અંગે મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલhttp://uccgujarat.in લોન્ચ
- લોકોનેUCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અપીલ
- ધાર્મિક સંસ્થાઓ,રાજકીય પક્ષો પાસેથી મંતવ્યો મેળવાયા
ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને UCC સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં UCC સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પૂર્વે ગુજરાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કાયદા અંગે પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે તે માટે ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ કરવામાં આવ્યું છે. સૂચનો અને મંતવ્યો તા.24-03-2025 સુધીમાં બ્લોક નં.1, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-10-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત પણ મોકલી શકાશે.
આ સમિતિએ આજે રાજ્ય સરકારના વિવિધ આયોગો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા-વિમર્શ કરી તેઓના સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.