
- વડોદરા મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમીટીએ દરખાસ્તને મંજુરી આપી,
- વીએમસી ઢોરના ડબ્બાના આઉટસોર્સ માટે વર્ષે 1.74 કરોડ ખર્ચશે,
- ઢોરવાડા માટે 56 કરોડનું ઘાસ ખરીદવાના કામને પણ મંજૂરી
વડોદરાઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર સામે મ્યુનિ. દ્વારા સમયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવે છે. રખડતા ઢોરને પકડીને ઢોર માટેના ડબ્બામાં પુરવામાં આવે છે. અને ઢોરમાલિકો દંડ ભરીને ઢોરને છોડાવી જતાં હોય છે. જ્યારે ઢોરને તેના માલિકો છોડાવવા માટે ન આવે તો પાંજરાપોળમાં મોકલી આપવામાં આવતા હોય છે. શહેરમાં રખડતા ઢોર પકડીને પુરવા માટેના ચાર ઢોર ડબા છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર ડબાની કામગીરી આઉટસોર્સિંગથી કરવા સ્ટેન્ડિંગ સમિતિએ દરખાસ્ત મંજૂર આપી છે.
વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રખડતા ઢોર રોડ પર અઢિંગો બેસતા હોય છે. મ્યુનિ.દ્વારા રખડતા ઢોર પકડવા માટે પોલીસની મદદથી ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. રખડતા ઢોર પકડીને ડબ્બામાં પુરવામાં આવતા હોય છે. હવે ઢોરના ડબ્બાની કામગીરી આઉટસોર્સથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોર ડબાની કામગીરીમાં ઢોરોની દેખરેખ, સાર સંભાળ, સારવાર, એનિમલ ટેગિંગ, અન્ય પાંજરાપોળ અને ગૌશાળામાં પશુઓને શિફ્ટ કરવાની કામગીરી, ઢોર ડબાની સફાઈ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં લાલબાગ ઢોર ડબા માટે 48 લાખ, ખાસવાડી માટે 44.46 લાખ, ખટંબા-1 માટે 41 લાખ અને ખટંબા-2 માટે 41.39 લાખ મળી કુલ વાર્ષિક ખર્ચ 1.74 કરોડ થવાનો છે. મ્યુનિ. કોર્પોરેશન ઢોર પકડે તે પછી હવે છોડાવવા માટે ગોપાલકો અગાઉની સરખામણીએ ઓછા આવે છે. ઢોર છોડાવી ન જાય તો બાદમાં તેને પાંજરાપોળમાં શિફ્ટ કરવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમો કાર્યરત કરવામાં આવી છે, અને ઢોર પકડવાનું પ્રમાણ પણ વધતા મ્યુનિ. કોર્પોરેશન માટે ઢોરના જીવન નિર્વાહનો ખર્ચ વધ્યો છે. સરકારની સહાયના આધારે મ્યુનિ. કોર્પોરેશન ખટંબા ખાતે વધુ બે ઢોરવાડા બનાવશે, જ્યાં 1000 ઢોરને રાખી શકાશે.. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનના ઢોરવાડા માટે 1.56 કરોડનું ઘાસ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.