દિવાળી પર દિલ્હીમાં હુમલો કરવાની હતી યોજના, દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હુમલાના મુખ્ય શંકાસ્પદ મુઝમ્મિલે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે તેણે અને ઉમરે લાલ કિલ્લાની સામે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા.
તપાસ એજન્સીઓ મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે અને તેના ફોન ડેટાની તપાસ કરી રહી છે. આ દરમિયાન, મુઝમ્મિલે પોલીસ સમક્ષ તેના બધા કાવતરાઓનો ખુલાસો કર્યો છે.
રિપોર્ટમાં જણાવાયું હતું કે મુઝમ્મિલે આગામી વર્ષે 26 જાન્યુઆરીએ એક મોટા બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડ્યું હતું. મુઝમ્મિલ તેના સાથીઓ સાથે 26 જાન્યુઆરી, 2026ના રોજ લાલ કિલ્લા સહિત દિલ્હીમાં અનેક સ્થળોએ વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યો હતો.
મુઝમ્મિલે તપાસ એજન્સીઓ સમક્ષ એ પણ કબૂલાત કરી છે કે તે દિવાળી દરમિયાન ભીડભાડવાળા વિસ્તારમાં વિસ્ફોટ કરવાનો હતો, પરંતુ બાદમાં તેણે હુમલો મુલતવી રાખ્યો અને દિવાળીને બદલે 26 જાન્યુઆરીએ વિસ્ફોટ કરવાની યોજના બનાવી.
લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ
મુઝમ્મિલ ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં સિનિયર ડોક્ટર હતો. લાલ કિલ્લા પર કાર બોમ્બ વિસ્ફોટના શંકાસ્પદ ઉમર પણ મુઝમ્મિલ સાથે યુનિવર્સિટીમાં કામ કરતો હતો. મુઝમ્મિલ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવે છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
પોલીસને શંકા છે કે ઓમરનું પણ કાર વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું. જોકે, પોલીસ હજુ પણ આ મામલાની તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાલ કિલ્લાની સામે થયેલા વિસ્ફોટમાં ઘણા શિક્ષિત અને તબીબી વ્યાવસાયિકો સામેલ હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ સમગ્ર જૂથને “વ્હાઇટ કોલર ટેરર ઇકોસિસ્ટમ” તરીકે લેબલ કર્યું છે.


