
- કાપડની કંપનીમાં DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં યાર્નમાં આગ લાગી
- બીજા બનાવમાં ગભેણી વિસ્તારમાં આવેલા ચિંદીના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી
- ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી
સુરતઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. શહેરમાં એક જ દિવસમાં આગના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં સચિન હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર 17 પર આવેલી પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કાપડની કંપનીમાં DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં યાર્નમાં આગ લાગી હતી. આગ બેકાબુ થતાં બાજુની પ્લાસ્ટિકની કંપનીમાં પણ આગ લાગી હતી. 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. બીજી બાજુ ગભેણી વિસ્તારમાં આવેલા ચિંદીના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
સુરત શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલની DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થયું હતું. જેને પગલે મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી અને ત્યાર બાદ બાજુમાં જ આવેલી પાર્થ પ્લાસ્ટિકની મિલને પણ આગની ચપેટમાં લઈ લીધી હતી. આગ પ્લાસ્ટિક હોવાને કારણે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. બંને કંપનીમાં પડેલી વસ્તુ ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. આગના ગોટેગોટા દૂર સુધી ઉડતા દેખાયા હતા.
આગના બનાવ અંગે ઇન્ટરનેશનલ કંપનીના સંચાલકે જણાવ્યું કે, અમારી પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં યાર્ન ખૂબ મોટા પ્રમાણમાં હતું. ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ બેકાબૂ થતાં બાજુની પ્લાસ્ટિકની કંપનીમાં પણ આગ લાગી હતી. હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું જેથી કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે, આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. હાલ કુલિંગની કામગીરી ચાલુ છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પ્લાસ્ટિકનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી ગઈ હતી.
DGVCLના સચિન-2 સબ ડિવિઝનના સૂત્રોના કહેવા મુજબ સચિન-2 સબ ડિવિઝનમાં આગ લાગવાની ઘટના અંગેનો કોલ મળ્યો હતો. જેમાં DGVCLના ટ્રાન્સફોર્મરમાં D 33/1 રોડ નંબર 17માં એક ટ્રાન્સફોર્મરની 1 DPનો ફ્યૂઝ ઉડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે કંપનીમાં આગ લાગી હતી તેના ઇન્ટરનલ ફોલ્ટના કારણે ફ્યૂઝ ઉડી ગયો હતો. અમારી ટીમ દ્વારા તપાસ કરતા ટ્રાન્સફોર્મર, મીટર, કેબલ કે અન્ય કોઇપણ બાબતમાં ક્ષતિ જોવા મળી નથી. ફાયરનો કોલ મળ્યો હોવાને કારણે સલામતી માટે થોડા સમય માટે વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. કંપનીના વ્યક્તિ દ્વારા DGVCLના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગવાની જે વાત કરવામાં આવી છે તે ખોટી છે. ટ્રાન્સફોર્મરમાં કોઇ ફોલ્ટ કે સ્પાર્ક થયો નથી.
ત્રીજા બનાવમાં શહેરના ગુલાબ પ્લોટમાં ચીંદીના ગોદામમાં આગ લાગી હતી. આ આગના બનાવમાં કોઈને ઈજા નથી થઈ પણ કાપડના નાના ટુકડા (ચીંદી)નો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી આગ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ હતી. સચિન વિસ્તારમાં ચારે તરફ કાળા ધુમાડા જોવા મળી રહ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટનાસ્થળે આગને કાબૂમાં લીધી હતી.