
- જુનાગઢના ઝાંઝર઼ા રોડ પર બન્યો બનાવ
- મંજુરી વિના જેસીબીએ ખાડો ખોદતા સ્પાર્ક થવાથી આગ લાગી
- આગને લીધે 5 લોકો ગંભીરરીતે દાઝી ગયા
જૂનાગઢઃ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો અને પોલીસ દોડી ગઈ હતી. અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ઝાંઝરડા રોડ પર કોઈપણ અધિકૃત મંજૂરી વિના JCB દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે JCB ગેસ લાઈનને અડતાં અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઇને આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકના નામ રુપીબેન સોલંકી (માતા, ઉ.વ. 39), ભક્તિબેન સોલંકી (પુત્રી, ઉવ. 03) અને હરેશભાઈ રાબડીયા હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો, ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ આવેલી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી અનેક દુકાનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા મોટેપાયે કામગીરી શરૂ કરી હતી.
શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને તંત્રના અન્ય અગ્ર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જનતાની ભીડ એકત્ર ન થાય તે માટે અને રાહત કાર્ય સુચારુ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝાંઝરડા ચોકડી તરફ જતાં માર્ગોને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આગના કારણે થયેલા નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ દુકાનો સહિતના વ્યવસાયિક એકમોને પણ નુકસાન થયુ છે. આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા દોષિત લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.
PGVCLના લાઇનમેન રાજેશ પુરોહિતે જણાવ્યું હતું કે, આ જગ્યાએ PGVCLને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર JCB મારફતે અંડરગ્રાઉન્ડ ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં તરત જ સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ જ આગ લાગી હતી.