1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ઝેર ભેળવેલા પ્રસાદના લાડુ આરોગતા પરિવારના ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા
સુરતમાં ઝેર ભેળવેલા પ્રસાદના લાડુ આરોગતા પરિવારના ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા

સુરતમાં ઝેર ભેળવેલા પ્રસાદના લાડુ આરોગતા પરિવારના ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા

0
Social Share

સુરત, 13 એપ્રિલ 2026: Poisoned Prasad laddus શહેરમાં  ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખસો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં હવે પોલીસે CCTVના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી લક્ઝુરિયસ સોસાયટી પૈકીની એક ‘શાલીગ્રામ હાઇટ્સ’માં ગોરધનભાઇ વશરામભાઇ ડોંડા પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા. 10મીના રોજ બપોરના સમયે જ્યારે ગોરધનભાઇ પોતાના ઘરે આવ્યા ત્યારે તેમણે ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર એક થેલી લટકતી જોઈ હતી. આ થેલીમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગો કે બાધા-આખડી પૂરી થતી હોય ત્યારે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે, તેથી ગોરધનભાઇને કોઈ શંકા ગઈ ન હતી. અને પ્રસાદ ઘરે લઈ ગયા હતા. પરિવારના સભ્યો વચ્ચે આ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ગોરધનભાઇ પોતે, તેમના પત્ની અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાના થોડા જ સમયમાં ત્રણેય સભ્યોની તબિયત એકાએક લથડવા માંડી હતી. તેમને ચક્કર આવવા, ઊલટી થવી અને બેચેની જેવી અસરો વર્તાતા તાત્કાલિક અસરથી ત્રણેય વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલના સૂત્રોના કહેવા મુજબ, ઝેરની અસર ગોરધનભાઇ પર સૌથી વધુ જોવા મળી છે. તેમની ઉંમર અને ઝેરના પ્રમાણને જોતા હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે અને તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જ્યારે અન્ય બે સભ્યોની સ્થિતિ હાલ સ્થિર છે પરંતુ તેઓ તબીબોના સઘન નિરીક્ષણ હેઠળ છે. તબીબોએ આટલી ગંભીર અસર જોઈ, ત્યારે તેમને શંકા ગઈ હતી. તબીબોએ પરિવાર પાસે એ પ્રસાદના નમૂના મંગાવ્યા હતા જે તેમણે ખાધા હતા. બાકી બચેલા પ્રસાદની તપાસ કરતા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. બુંદીના લાડુની અંદરથી ઝેરની ગોળીઓ (જે સામાન્ય રીતે અનાજ સંઘરવા માટે વપરાતી હોય છે) મળી આવી હતી. આ પુરાવાએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ અકસ્માત કે ફૂડ પોઈઝનિંગનો કિસ્સો નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી હત્યાની કોશિશ છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે શાલીગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસને સીસીટીવી ફૂટેજમાં પાંચ જેટલી વ્યક્તિઓ એવી જણાઈ રહી છે જેમની હિલચાલ શંકાસ્પદ છે. પોલીસ આ પાંચેય વ્યક્તિઓની ઓળખ કરી તેમની કડક પૂછપરછ કરી રહી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આ કૃત્ય કોઈ બહારની વ્યક્તિ કરતા પણ પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિનું હોઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code