
- પંચાયત હસ્તકના 4196 કિલોમીટરના1258 માર્ગોની રિસરફેસિંગ કામગીરી હાથ ધરાશે,
- ઉત્તર ગુજરાતમાં1609 કિલોમીટરના 487 માર્ગો રિસરફેસ કરાશે, દક્ષિણ
- ગુજરાતના1528 કિલોમીટર લંબાઇના 499 માર્ગો રિસરફેસ કરાશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ માતબર રકમમાંથી જે માર્ગોના રિસરફેસિંગ સહિતના કામો થવાના છે, તેમાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં 1609 કિલોમીટરના 487 માર્ગો, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 1528 કિલોમીટર લંબાઇના 499 માર્ગો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 1059 કિલોમીટરના 272 ગ્રામીણ માર્ગોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી સમક્ષ જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકો, અગ્રણીઓ દ્વારા બારમાસી રસ્તાની સુવિધા માટે કરવામાં આવતી રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 4196 કિલોમીટર લંબાઈના 1258 માર્ગોની મરામત તથા રિસરફેસિંગ કામો માટે આ નાણાંની ફાળવણી કરી છે. આ માર્ગોનું રિસરફેસિંગ અને અન્ય અનુષંગિક કામગીરી પૂર્ણ થતાં ગ્રામીણ વિસ્તારોનું રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંગીન થવાથી કનેક્ટિવિટી વધશે અને નાના ગામોમાં પણ આંતરિક તેમજ શહેરો સાથેના વાહન યાતાયાતમાં વધુ સરળતા મળશે.