- બે મહિના પહેલા થલતેજ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યા હતા.
- પારિવારિક ઝઘડામાં ફાયરિંગ કરતા સુધીર ઠક્કરને ગોળી વાગી હતી,
- પોલીસે રિવોલ્વર અને 10 જીવતા કાર્ટિઝ ઝપ્ત કર્યા
અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં બે મહિના પહેલા પારિવારિક ઝઘડામાં બનેવીએ તેના સાળા પર ફાયરિંગ કરતા સાળા સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગી ગંભીર ઇજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ બે આરોપીએ નાસી ગયા હતા. તેને પકડવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી હતી. અને ફાયરિંગ કાંડના મુખ્ય બે આરોપીઓ પ્રતાપભાઈ ઠક્કર અને તેમના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કરને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લીધા છે.
આ બનાવની વિગત એવી હતી કે, ગત 27 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદી સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કર પર શીલજ સર્કલ નજીક ફાયરિંગ થયું હતું. મૌલિકભાઈએ ઘરગથ્થુ ઝઘડાના મુદ્દે ફરિયાદી પર રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ફરિયાદીના પેટમાં વાગી હતી. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. નાસતા ફરતા બંને આરોપીઓની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવી હતી. બંને આરોપીઓ ઉજ્જૈનના મહાકાલ અને હરસિધ્ધી મંદિરે સતત દર્શન કરવા આવતા હતા. તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉજ્જૈન પહોંચી તેઓને હરસિધ્ધી મંદિર નજીકથી બન્ને આરોપીને ઝડપી લીધા હતા.
આ કેસમાં આરોપી મૌલિકભાઈની પાસે પરથી ગુનામાં ઉપયોગ કરાયેલા રિવોલ્વર, 10 જીવતા કાર્ટીઝ અને 2 ફાયર થયેલ કાર્ટીઝના ખોખા મળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે કુલ એક રિવોલ્વર, બે મોબાઇલ ફોન અને 10 કાર્ટિઝ કબજે કર્યા છે. પૂછપરછમાં બંને આરોપીઓએ ખુલાસો કર્યો કે ઘટના બાદ તેઓ આધોઇ અને સામખીયાળી ખાતેના ધર્મશાળામાં સાત દિવસ રોકાયા હતા. ત્યારબાદ ઉજ્જૈન, મુંબઈ અને ફરી ઉજ્જૈન જેવા સ્થળોએ અલગ-અલગ સમયગાળા માટે છુપાયેલા હતા. બંનેનો મૂળ વતન પાટણ જિલ્લાના વારાહી ગામનું હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસની વિગત એવી હતી કે, બે મહિના પહેલાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવીએ પોતાના સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા યુવક સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગતા ગંભીર ઇજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારિક ઝઘડાની વચ્ચે શીલજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ મૌલિક ઠક્કર સાથેના ઝઘડાની જાણ તેના ભાઈ સુધીરને કરતાં, સુધીર તેના પિતા અને બનેવી સાથે 27 સપ્ટેમ્બરે મૌલીકને મળવા ગયા હતા, જ્યાં મૌલિક ઠક્કરે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું અને હથિયાર છીનવવા જતા સુધીરને ગોળી વાગી હતી.


