
- સૌરાષ્ટ્ર શાખા નહેર પરના પુલોની સ્થિતિ જોખમી,
- 12 પુલો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું,
- ડાયવર્ઝન માટેના માર્ગો સુચવાયા
સુરેન્દ્રનગરઃ રાજ્યમાં મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની ચકાસણી કરવાનો જિલ્લા કલેકટરોને નિર્દેશ આપ્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જર્જરિત બ્રિજની યાદી બનાવી હતી.અને 12 બ્રિજ પર વાહન-વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તેમજ તેના વૈકલ્પિત માર્ગે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ આવેલા પુલોની હાલની માળખાકીય પરિસ્થિતિ વાહનવ્યવહાર માટે સુગમ ન હોવાનું જણાતા સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ હસ્તકના સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા 12 જેટલા પુલ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે.ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા જતા દુધરેજ કેનાલ પર આવેલા પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક રસ્તા તરીકે મોટા તથા માલવાહક વાહનો માટે – ધ્રાંગધ્રા તરફથી આવતા મોટા વાહનોને સુરેન્દ્રનગર, લીંબડી, મુળી, ચોટીલા, રાજકોટ તરફ જવા માટે ધ્રાંગધ્રાથી કોંઢ, સરા, સરલા જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. મુળી, ચોટીલા, રાજકોટ તરફથી આવતા મોટા વાહનોને ધ્રાંગધ્રા જવા માટે મુળી, સરલા, સરા, કોંઢ થી ધ્રાંગધ્રા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. સુરેન્દ્રનગર, લીંબડી તરફથી આવતા વાહનોને ધ્રાંગધ્રા તરફ જવા માટે ગેબનશાહ પીર સર્કલથી લખતર, વણા, માલવણ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
જ્યારે નાના વાહનો માટે ધ્રાંગધ્રા તરફથી આવતા વાહનોને વટેશ્વર વન તરફ નર્મદાના કેનાલના રોડ પર આગળ 500 મીટર પર નર્મદા કેનાલ પર આવેલ પુલ પરથી સુરેન્દ્રનગર તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. સુરેન્દ્રનગર તરફથી ધ્રાંગધ્રા તરફ આવતા નાના વાહનોને જવા માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજવાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ 500 મીટર પર નર્મદા કેનાલ પરના પુલ પરથી ધ્રાંગધ્રા તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
સૌરાષ્ટ્ર શાખા નહેરની સાંકળ- 64.235 કિ.મી ગામ ઢાંકી(ઢાંકી-છારદને જોડતો) પુલ તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક રસ્તા તરીકે સૌરાષ્ટ્ર શાખા નહેરની સાંકળ-63.500 કિ.મી. પર આવેલ છારદ ગામના પુલનો ઉપયોગ કરવાનો રહેશે.